પ્રખ્યાત ગાયક અને ‘ઇન્ડીયન આઇડલ ૧૨’ વિજેતા પવનદીપ રાજન હાલમાં હોસ્પિટલના આઇસીયુમાં છે. તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે, પરંતુ તેમના ચાહકો પવનદીપના સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતિત છે. ૫ મેના રોજ પવનદીપ કાર અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં તેમના બંને પગ ફ્રેક્ચર થયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. મંગળવાર, ૬ મેના રોજ, પવનદીપની ટીમે તેના અકસ્માત પછી પહેલી સત્તાવાર માહિતી આપી છે. આ નિવેદનમાં તેમની હાલની તબિયત તેમજ આ મુશ્કેલ સમયમાં તેમનો પરિવાર શું પસાર કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પવનદીપ રાજનની ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ૫ મેના રોજ સવારે, પવનદીપ રાજન ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક એક કમનસીબ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદની ફ્લાઇટ પકડવા દિલ્હી જઈ રહ્યો હતો. અકસ્માત પછી તરત જ, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી. જાકે, તેમની ગંભીર ઇજાઓને ધ્યાનમાં રાખીને, તેમને પાછળથી દિલ્હી એનસીઆરની વધુ સારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ટીમે વધુમાં જણાવ્યું હતું કે પવનદીપ રાજનને ઘણા મોટા ફ્રેક્ચર અને કેટલીક નાની ઇજાઓ પણ થઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગઈકાલનો દિવસ તેમના પરિવાર અને ચાહકો માટે ખૂબ જ મુશ્કેલ અને દુઃખદ હતો. તેઓ આખો દિવસ પીડામાં હતા અને બેભાન હતા.” ટીમે એમ પણ કહ્યું કે ૬ મેના રોજ સાંજે ૭ વાગ્યાની આસપાસ તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા અને લગભગ ૬ કલાક ચાલેલી લાંબી સર્જરી બાદ, તેમના મુખ્ય ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હાલમાં, તેઓ આઇસીયુમાં ડોકટરોની કડક દેખરેખ હેઠળ છે. ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે કે ૩-૪ દિવસ સંપૂર્ણ આરામ કર્યા પછી, પવનદીપના બાકીના ફ્રેક્ચર અને ઇજાઓની સારવાર શરૂ થશે. તેને બીજી સર્જરી પણ કરાવવી પડશે.
પવનદીપ રાજનની ટીમે આ મુશ્કેલ સમયમાં તેમના ચાહકો દ્વારા બતાવેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “વિશ્વભરના તેમના ચાહકો, પરિવાર, મિત્રો અને શુભેચ્છકોની પ્રાર્થના અને સમર્થનને કારણે જ આજે તેમની તબિયત સ્થિર છે. પવનદીપને તમારી પ્રાર્થનામાં રાખવા બદલ મારા હૃદયના ઊંડાણથી આપ સૌનો આભાર.” આ નિવેદનથી પવનદીપના ચાહકોને થોડી રાહત થઈ છે અને તેઓ તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.