(એ.આર.એલ),ગાંધીનગર,તા.૧૪
શુક્રવારનો એ ગોજારો દિવસ વાસણાસોગઠી ગામના લોકો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. એક તરફ મેશ્વો નદીના પટમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ ચાલતી હતી. ગામના મોટાભાગના યુવાનો ત્યાં વિસર્જન માટે ગયેલા હતા અને અચાનક એક યુવકને શું સૂજ્યુ ને નદીમાં ન્હાવા પડ્યો અને યુવક ડૂબવા લાગે છે.એક બાદ એક ૮ લોકો નદીના એ વહેણમાં તણાઈ ગયા. એમ કહો કે આઠેયને નદી ભરખી ગઈ ગણેશ વિસર્જન તો એકબાજુ રહ્યુ. ઉત્સવનો એ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો.તરવૈયાઓની મદદથી તમામ ૮ યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને દહેગામ અને રખિયાલ સિવિલ હોસ્પટલે ખસેડવામાં આવ્યા. જ્યા પોસ્ટમોર્ટમ બાદ રાત્રે તમામ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા.બીજા દિવસે શનિવારે ગામમાંથી હૈયાફાટ રૂદન અને આકાશને ફાડી નાખતા આક્રંદ સાથે આઠેયની અંતિમયાત્રા નીકળી. ગામથી દૂર એકસાથે ૮ ચિત્તાઓ તૈયાર કરવામાં આવી હતી. આ કરુણાંતિકા બાદ સમગ્ર દહેગામ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ તમામ ૮ મૃતકોમાં એક જશપાલસિંહના પત્ની સગર્ભા છે. જ્યારે મૃતક પૃથ્વીસિંહ અને ધર્મેન્દ્રસિંહ બંને સગા ભાઈઓ છે. આ બંને ભાઈઓના મોત બાદ પિતાને તો જાણે કોઈ હોંશ જ રહ્યો નથી. બંને ભાઈઓને ગુમાવનાર બહેન તો બેભાન જ થઈ ગઈ છે. માતાનું આકાશને ફાડી નાખે એવુ રૂદન સહુ કોઈને વ્યથિત કરી રહ્યુ છે.આજે શનિવારે આખા ગામમાંથી આક્રંદ સિવાય કોઈ અવાજ નથી સંભળાઈ રહ્યો ન હતો . દરેક પરિવારે પોતાનો સ્વજન ગુમાવ્યો છે ત્યારે કોણ કોના આંસુ લૂછે તેવી સ્થતિ ઉભી થઇ. આ આઠેય મૃતકો માત્ર ૧૭ થી ૩૦ વર્ષના હતા. જેમા એક યુવકની પત્નીની તાજેતરમાં જ શ્રીમંત વિધિ કરાઈ હતી. સંતાનનું મોં જાયા વિના જ પિતાનું મોત થયુ છે. એકની એક બહેને બંને ભાઈઓ ગુમાવ્યા છે. ચિરાગ નામના એક મૃતકના આ દિવાળીએ જ લગ્ન લખાયા હતા. ત્યારે પરિવારજનોની માથે આભ ફાટ્યા જેવી સ્થતિ સર્જાઈ છે. હાલ પરિવારોનીઆંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. આકાશને ચીરી નાખતા આક્રંદ સહુ કોઈને હચમચાવી રહ્યુ છે. આ તરફ આ તમામ હત્તભાગી પરિવારોને સરકાર તરફથી કોઈ વળતર મળે તેવી ગામલોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. ગામલોકોનું કહેવુ છે કે દીકરા ગુમાવનારા તમામ પરિવારો સાધારણ સ્થતિના છે ત્યારે સરકાર કોઈ મદદ કરે તો તેમને થોડી મદદ મળે