ગાંધીજીએ કહેલું કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. ભારતના મૂળ સ્વભાવનું દર્શન ગામડામાં થાય છે. જો ભારતનો સર્વાંગી વિકાસ સાધવો હશે તો શરૂઆત ગામડાઓથી કરવી પડશે. ‘ મારા સ્વપ્નનું ભારત ‘ પુસ્તકમાં ગામડું કેવું હોવું જોઈએ અને ગામનો વહીવટ કઈ રીતે ચાલવો જોઈએ એનો ગાંધીજીએ વિગતવાર ઉલ્લેખ કરેલ છે. દરેક ગામડું સંપૂર્ણ પ્રજાસતાક હોવું જોઈએ એવી એમની દ્રઢ માન્યતા હતી. બળવંતરાય મહેતાએ કરેલ ભલામણો પરથી ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા સ્વીકારવામાં આવી છે અને ગ્રામ તેનું પાયાનું એકમ છે. ગામ એક માત્ર સત્તાનું કે સ્થાનિક સ્વરાજનું એકમ છે કે જ્યાં મતદારને પોતાનો શીર્ષસ્થ નેતા મત દ્વારા સીધો ચૂંટવાનો અધિકાર છે, આ એક ગ્રામ પંચાયતની ચૂંટણીની વિશેષતા છે. આ રીતે સત્તાનો વડો ચૂંટવાનો અધિકાર બીજા કોઈ એકમમાં મળતો નથી, એ પછી શહેરના મેયર હોય કે દેશના વડાપ્રધાન. ગુજરાતમાં પંચાયત અધિનિયમ ૧૯૯૩ દ્વારા સ્થાનિક સ્વરાજની સત્તાઓ, ફરજો અને કાર્યરીતી નક્કી કરવામાં આવી છે. બંધારણના ૭૩મા સુધારા અને ૨૪૩ કલમમાં ઉલ્લેખ સાથે આ માળખું પ્રસ્થાપિત થયેલ છે. આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પંચાયતીરાજના વિકાસ પર પણ નજર નાખવી આવશ્યક છે. આત્મનિર્ભર ભારતની પહેલી શરત આત્મનિર્ભર ગામડું છે. ગાંધીજીએ એટલે જ ગ્રામ સ્વાવલંબન પર ભાર મુક્યો હતો, એ વાણીયાબુદ્ધિ દુરંદેશી હતી.

એ હકીકત છે કે છેલ્લા બે દાયકામાં ગામડાઓનો વિકાસ થયો છે, પણ એ શહેરોની સાપેક્ષે ઘણો માર્યાદિત છે. શહેરી જથ્થાબંધ વોટબેંક સામે ગામડાની છૂટક વોટબેંક એટલો રાજકીય વજન ઉપજાવી શકી નથી. ગ્રામ પંચાયતની સત્તામા વધારો થયો છે અને આર્થિક સ્વાયતતા પણ વધી છે. સરકારે ગ્રામ પંચાયત સ્તરે ઘણા અધિકારો આપ્યા છે. ભૂતકાળમાં આ પદ અને સત્તા એકમ ક્યારેય આટલું મજબૂત નહોતું. જો સરપંચ અને ચૂંટાયેલા સદસ્યો કાર્યદક્ષ અને ગ્રામ વિકાસને વરેલી વિચારસરણી ધરાવતા હોય, તો ધારે તેવો વિકાસ શક્ય છે. ગયા મંગળવારે જ ગુજરાતમાં ગામડાની પ્રજાએ ગ્રામ પંચાયતોના નવા સુકાનીઓ પસંદ કર્યા છે. ગામડામાં જે પ્રતિનિધિ ચૂંટાય છે એ એમની વચ્ચેથી જ હોઈ શકે છે, ત્યાં પેરેશુટ ઉમેદવાર નથી ઉતારી શકાતો. એ એટલો અંગત હોઈ શકે છે કે એ તમારી આગમણે (આગોઠ) બેઠો બેઠો તાપીને તમારી પત્નીનો વોટ અંકે કરી શકે છે. એટલે મોટો ફાયદો એ થાય છે કે ચૂંટાઈને આવનાર પ્રતિનિધિ મહદઅંશે ગામના પ્રશ્નોથી વાકેફ હોય છે, સવાલ માત્ર ઉકેલ લાવવાની એની દાનતનો હોય છે. સદભાગ્યે આજે શિક્ષિત યુવાનો ગામના વહીવટમાં રસ લેતા થયા છે. જે પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માંગે છે, એના માટે ગ્રામ પંચાયત એક મજબૂત પ્લેટફોર્મ છે. એ યુવાનો, કે જે ગામડે રહીને પોતાના પુરતો આર્થિક વ્યવસાય કરી શકે છે, પહેલા જે એકધારો ચાલીસ વર્ષ સરપંચ રહેતો એ હવે શક્ય નથી. નવી પેઢી પોતાની જગ્યા માંગી રહી છે. એ ગામડાના ભવિષ્ય માટે સારી વાત છે કે આજે સ્નાતક, અનુસ્નાતક, ઈજનેર… જેવી કક્ષાના યુવાનો ગામની ચૂંટણીઓમાં ઝંપલાવીને આદર્શો ઉભા કરી રહ્યા છે.

રાજ્યનાં તમામ ગામોને ચોક્કસ સમયમર્યાદામાં સમાન ધોરણોએ પાયાની ન્યૂનતમ સુવિધાઓ મળી રહે અને રાજ્યનું પ્રત્યેક ગામ સુવિધા સંપન્ન, સ્વચ્છ અને સુંદર બને એ ઈરાદાઓ સાથે ગુજરાતમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે શહેરી વિકાસની તર્જ પર પહેલી વખત ગામડા માટે વિકાસની ” ગોકુળગ્રામ યોજના ” અમલમાં મૂકી હતી. ત્યારથી પંચાયતને સ્વાયતતા આપવાની શરૂઆત થઇ હતી. ન્યુનતમ પ્રાથમિક સુવિધાઓના અભાવના માપદંડને ધ્યાનમાં લઈને  યોજના હેઠળ આવરી લેવાનાં થતાં ગામોની પસંદગી કરીને તબક્કાવાર નબળા ગામડાઓમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવામાં આવવાની આ યોજના હતી. પહેલી વખત ગામડાઓમાં ગટર, આંતરિક પાકા રસ્તાઓ, કોમ્યુનીટી હોલ, ઘર ઘર પાણી, પરંતુ સરકાર બદલાતા યોજનાઓ બદલાય છે ના આધારે આ યોજના પણ ધીમે ધીમે અદ્રશ્ય થઇ ગઈ. જો કે એની સામે સરકારે ગ્રામોધ્ધાર અને ગ્રામ વિકાસને વરેલી અનેકો યોજનાઓ અમલમાં મૂકી છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે, જે જે ગામોમાં સારાચૂંટાયેલા પ્રતિનિધિઓ મળતા રહ્યા છે એ બીજા ગામોની સાપેક્ષે ઘણી મજલ કાપી ગયા છે.

ગ્રામ પંચાયતના રાજકારણનું જો કોઈ નબળું પાસું હોય તો એ જ્ઞાતિવાદ, વેરઝેર અને ભ્રષ્ટાચાર છે. ચુંટણી સમયે થયેલ ગરમાગરમી ઘણી વખત લાંબી ખેંચાય જાય છે. ચૂંટણી સમયે મુકાયેલા જ્ઞાતિવાદના સમીકરણો એ જ્ઞાતિઓ વચ્ચે કાયમી લીસોટા પાડી દે છે. અને ગામના કામમાં થતો ભ્રષ્ટાચાર અને તેમાં ચૂંટાયેલી પાંખની સામેલગીરી ગામના કામની ગુણવતા અને પ્રજાના ભરોસાને નબળો પાડે છે. જે ચૂંટાય છે એ ગામનો અંગત છે, જે હારે છે એ પણ ગામનો અંગત છે. એકમેકની પ્રતિભાનો ઉપયોગ ગ્રામ વિકાસ માટે થાય એ જોવાની જવાબદારી સહિયારી છે. ગામનો વંચિત, ગરીબ, કચડાયેલો, લાચાર, દુભાયેલ, શોષિત આદમી માત્ર એક વોટ નથી, એની દીનતા તમારી પુણ્યફરજ છે. એની પીડા, મજબૂરીમાં તમારી સત્તા એડીચોટીનું જોર લગાવે એ લોકશાહીનું ઉચ્ચતમ છે. એના માટે તમે ઈશ્વર પછી તરતની જગ્યાએ છો. કારણકે આપણે ત્યાં પંચને પરમેશ્વર કહ્યો છે. ગરીબના દ્રોહ જેવું બીજું કોઈ રાજકીય કલંક નથી. રાજકારણ થતું રહે છે, હરવા, જીતવાના સમીકરણો બદલતા રહે છે, પણ પ્રતિનિધિ તરીકે કઈક કરી છૂટ્યાનો આત્મસંતોષ તમારી રાજકીય કમાણી રહેવી જોઈએ.

 

ક્વિક નોટ — ” વિશ્વમ પુષ્ટમ ગ્રામે અસ્મિન અનાતુરમ ” – ગ્રામમાં પરિપુષ્ટ અને આરોગ્યવાન વિશ્વનું દર્શન હો….