આજે પ્રકાશનું પર્વ એટલે દિવાળી અને પછી નવલું નૂતન વર્ષ સર્વે વાંચકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. “ભમવા’તા ડુંગરા ને જાવી’તી કોતરો” વર્ષાેના વહાણા વહ્યા ગયા અને દિવાળીના દિવસોમાં ગામડાઓમાં ડેલીએ લાગેલા અલીગઢી તાળાઓ ખુલવા લાગ્યા, જે ગામના પાદરે વડીલોની જમાવટ રહેતી એ ગામના પાદરો સુના થવા લાગ્યા. જયાં લાગણીઓથી તહેવાર સાથે ઉજવાતા, સુખ અને દુઃખમાં ગામ આખું ભેગુ થતું તેને આજે નજર કોની લાગી? ગામડાઓ ભાંગવાના કારણો શું? એ.સી.વાળી ઓફિસોમાં બેસતા માયા, મમતા વિહોણા અફસરોને શું ખબર હોય કે ગામડું શું કહેવાય, ગામડાઓના ભોળા માનવીઓના મનને મારવાનું કામ રાજકારણીઓ અને ભ્રષ્ટાચારથી ખદબદતી લોકશાહીના અફસરોએ કર્યું છે. ખેર જવા દો, જ્ઞાતિ, જાતિના નામે લડતા અને “મારે શું” કહેતા લોકોને સુતા રહેવા દો કારણ કે જાગશે તો પણ કરશે શું ? વ્યસનનો ભોગ બની ચૂકેલું યુવા ધન શું કરશે?
“કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા.” આજે કચ્છનાં ગામડાઓ, કચ્છની આધુનિક ખેતી, કચ્છના ધંધા, વ્યવસાય, ઉદ્યોગો તમામ ક્ષેત્રમાં કચ્છ નામના ધરાવે છે. ત્યારે કદાચ કચ્છ ફરવા જવાનું થાય તો ભૂજ પાસે આવેલા કુકમા ગામમાં અવશ્ય જજા. અહિં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ર૦૦૬થી ગામડાઓની સંસ્કૃતિ, પ્રકૃતિ, કૃષિ અને ગાય માટે સેવાનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હિન્દુસ્તાનનો આત્મા ગામડું છે અને હિન્દુસ્તાનનો શ્વાસ એ ખેતી છે. આ બન્ને આજે વેન્ટીલેટર ઉપર આવી ગયા છે. તેને ઉગારવા માટે જેમ લોકભારતીની સંસ્થાઓ કામ કરતી હતી, એ જ રીતે આ સંસ્થા કામ કરી રહી છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને સંશોધન, વિસ્તરણ, ગૌશાળા, પ્રાકૃતિક ખેતી, ગ્રામોદ્યોગ, હસ્તકલા અને મૂલ્યવર્ધન કાર્ય દ્વારા ખેતીને જીવંત કરવા સાથે સ્વરોજગારીના માધ્યમથી રોજગારીની વિશાળ તકોનું સર્જન કરવું, પરસ્પર પરાવલંબનથી સુખ, સમૃધ્ધિ સાથે જીવી શકે અને દરેકને ગામડા અને પ્રકૃતિમાં શુધ્ધ હવા, શુધ્ધ પાણી, શુધ્ધ ખોરાક મળી રહે તે બધાનો માનવીય અધિકાર છે. આ અધિકારને જીવંત કરવાનું કામ સંસ્થા કરી રહી છે.
ખેડૂતોના સંતાનો ખેતી છોડીને રોજગારી માટે મહાનગરોમાં સ્થળાંતર કરી રહ્યા છે પરંતુ સ્વરોજગારીનો ઉત્તમ પાયો એ ગામડું છે. ગામડાઓને શહેરની હવા જરૂર લાગી છે પણ શહેરોમાં આજે સંસ્કારોને લુણો લાગી ગયાના કિસ્સાઓ રોજબરોજ આવે છે ત્યારે આ સંસ્થા દ્વારા દર મહિનાની તારીખ. ૧ર/૧ર/૧૪ ત્રણ દિવસીય નિઃશુલ્ક કૃષિ શિબિરો રાખવામાં આવે છે. જેમાં ખેતીનું જ્ઞાન, ગાય આધારિત
પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન પ્રેકટીકલ આપવામાં આવે છે. તે પણ રહેવા-જમવાની વ્યવસ્થા સાથે વિનામૂલ્યે છે. અત્યાર સુધીમાં ૧૧૮ શિબિરો થઈ છે. દરેક બેંચમાં ૩૦થી પ૦ વ્યક્તિઓ હોય છે.
આ ઉપરાંત વ્યવસાયલક્ષી તાલીમો જેવી કે પંચગવ્ય આયુર્વેદ આધારિત ઉદ્યોગો, ગોબર હેન્ડીક્રાફટ ઉદ્યોગો, પ્રાકૃતિક ખાતરો, ગૌશાળા અને પ્રાકૃતિક ખેતી, ખેતી આધારિત ઉદ્યોગો અને તાલીમ, મૂલ્યવર્ધન સહિતની સ્વરોજગારલક્ષી તાલીમ રહેવા-જમવાની વ્યવસ્થા સાથે વિનામૂલ્યે આપવામાં આવે છે. સંસ્થાનો હેતુ ગામડું, ગાય અને ખેતી સમૃધ્ધ બનવા જાઈએ. અહિં ગ્રામ ઉદ્યોગની તાલીમ પણ આપવામાં આવે છે. લુહાર, સુથાર, કુંભાર એ ગામડાઓની કરોડરજજુ છે. એ લોકો ગામડું છોડીને ચાલ્યા પછી ખેતી અને ખેડૂતો પણ વ્યવસાય છોડીને જઈ રહ્યા છે. ત્યારે સુથારીકામ, લુહારીકામ, કુંભારીકામ અને ખેત ઉત્પાદનના મૂલ્યવર્ધનની તાલીમ વિનામૂલ્યે સંસ્થા આપે છે. આજે આ સંસ્થામાં ૩૦૦ ગાયો છે. અહિં સ્વદેશી મોલમાં ૧૦૦થી વધુ પ્રોડકટ્‌સ મળે છે. ગાય, ખેતી અને પ્રકૃતિને સ્વાધિન કુરુકૂળ શિક્ષણ વ્યવસ્થા છે. અહિં પ્રકૃતિ મંદિર છે. ખરા અર્થમાં આધુનિક ભારતનું ગામ આ સંસ્થા છે. અહિં જવા જેવુ ખરૂ. માહિતી સ્ત્રોત શૈલન્દ્રસિંહ જેઠવા મો.૯૪ર૬પ ૮ર૮૧૦.

:: તિખારો::
તમારૂં ચારિત્ર્ય, તમારા સંસ્કારો ઉજળા હશે, તમારા વિચારો આદર્શ હશે તો કદાચ તમને મેડલ, સન્માન, હોદ્દો આજે નહિ મળે તો ચાલશે, વટ-ભેર જીવી શકાશે. પરંતુ તમારૂ ચારિત્ર્ય, સંસ્કાર અને વિચારો નબળા હશે તો મળેલું પણ બધુ ગુમાવતા વાર નહિ લાગે.