ખાંભાના નવા માલકનેશ ગામે ચોંકાવનારી ઘટના બની હતી. ગાડામાર્ગની તકરારમાં યુવતી પર દાતરડાથી હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. કોમલબેન ડો/ઓ ધીરૂભાઈ મકવાણા (ઉ.વ.૨૧) એ હિંમતભાઈ વેલાભાઈ સોલંકી, અસ્મિતાબેન હિંમતભાઈ સોલંકી, ઉમીયાબેન હિંમતભાઈ સોલંકી, હેતલબેન હિંમતભાઈ સોલંકી સહિત ૧૨ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને તેના શેઢા પાડોશી હિંમતબાઈ વેલાભાઈ સોલંકી સાથે ગાડામાર્ગ બાબતે તકરાર ચાલતી હતી. જેના અંગે આરોપીઓએ કુહાડી, દાતરડી ધારણ કરીને તેમને તથા સાહેદોને ‘આ કેડેથી ચાલવાની કેમ ના પાડે છે’ તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત ઢીકાપાટુ માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ગભરૂભાઈ વેલજીભાઈ સોલંકી (ઉ.વ.૪૪)એ કોમલબેન ધીરૂભાઈ મકવાણા, સવિતાબેન ધીરૂભાઈ મકવાણા સહિત સાત ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ ગાડામાર્ગ બાબતે તેમને ગાળો આપી હતી. ઉપરાંત પથ્થરના છુટ્ટા ઘા કરીને ઈજા પહોંચાડી હતી. સાહેદ હેતલબેને માથાના ભાગે પાઇપનો ઘા માર્યો હતો. ઉપરાંત સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા.







































