રાજ્યના નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર માફિયાઓ ગણતરીની મિનિટોમાં ચાઉં કરી જતા હોવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જ આવી જ એક આંતરરાષ્ટ્રીય સિન્ડીકેટના ૬ શખ્સોની ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ધરપકડ કરીને ૧૯૦ કરોડની ઠગાઈનો ભેદ ઉકેલી નાંખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીઓ સાયબર ઠગાઈથી મેળવેલા નાણા દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓ સુધી પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં વધતા જતા સાયબર ઠગાઈના કિસ્સાઓને ઘટાડવા માટે થઈને ગૃહ વિભાગ દ્વારા કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યા છે જેના પગલે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા ૬ શખ્સોની રાજ્યના અલગ અલગ શહેરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં લખતર, સાવરકુંડલા, અને સુરત જિલ્લામાં રહેતા આરોપીઓ સાયબર ઠગાઈની દુકાન બેરોકટોક ચલાવતા હતા. અને આ તમામ આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી માર્કેટિંગ યાર્ડની બહાર એક દુકાન ભાડેથી રાખી હતી. અને તેનું પેઢીનામું કરાવીને તેની રજિસ્ટ્રેશન યાર્ડમાં કરાવ્યું હતું. પરંતુ કોઈપણ પ્રકારનો વ્યવહાર યાર્ડમાં કરવામાં આવતો નહોતો. એટલે છેલ્લા ઘણા સમયથી આ તમામ આરોપીઓ શંકાના ઘેરામાં આવી ચૂક્યા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપ સિંહ ઝાલાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવ્યું અને બાદમાં આ તમામ આરોપીઓની કુંડળી કાઢવામાં આવી સાથોસાથ તેઓના બેંક એકાઉન્ટ અને મોબાઈલ લોકેશન પણ ચકાસવામાં આવ્યા હતા. અને તમામ સાયોગિક પુરાવા આરોપીઓ વિરુદ્ધમાં મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને અત્યારસુધીમાં રૂપિયા ૧૯૦ કરોડ રૂપિયાની સાયબર ઠગાઈની નાણાની હેરફેર કરી હોવાનું સામે આવ્યું છે.
સાયબર ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કસ્ટડીમાં આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય ઠગાઈના રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં સાયબર ઠગાઈના તમામ નાણા દુબઈ મોકલી આપવામાં આવતા હતા. ત્યારે કેટલાક સંજાગોમાં બિટકોઇનમાં રૂપાંતરિત કરવા તથા ક્રિપ્ટોમાં રોકાણ કરીને ઠગાઈના રૂપિયા સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે..
સાયબર ક્રાઇમના ઠગાઈના રૂપિયા બનાવટી બેંક એકાઉન્ટમાં જમા થાય -મોરબીના આરોપીઓ તે રૂપિયા ઉપાડી લેતા અને સુરતના આરોપીને આંગડિયા મારફતે મોકલી આપતા હતા -સુરતના આરોપીઓ આ રૂપિયા સીધા દુબઈ મોકલી આપતા અને ક્્યારેક યુએસડીટીમાં કન્વર્ટ કરીને અથવા તો ક્રિપ્ટોમાં રોકાણ કરીને મોકલતા હતા-સાવરકુંડલાનો આરોપી પણ આજ પ્રકારે દુબઈ ખાતે રૂપિયા મોકલી આપતો હતો -જે વ્યક્તિનું ખાતું હોય તેને દર મહિને રૂ.૨૫ હજાર મળતા હતા-આરોપીને રૂ.૧ લાખની સામે રૂ.૬૫૦ કમિશન મળતું હતું.










































