દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે થયેલા ગમખ્વાર બે સરકારી કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં જામરાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ એક કર્મચારીનું ઘટના સ્થળે અને અન્ય કર્મચારીનું જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. તમામ કર્મચારીઓ બલેનો કારમાં સવાર હતા. જેમાં બે કર્મચારીના મૃત્યું થયા છે. તમામ કર્મચારીઓ વહેલી સવારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન અર્ટિગા કાર સાથે બલેનો કારની ટક્કર થઈ હતી. જેમાં બલેનો કારમાં પાછળની સીટમાં બેઠેલા બંને કર્મચારીના મૃત્યુ થયા હતા.
ઘટનાની જાણકારી મળતા જ પાલિકાના પ્રમુખ સહિતના હોદેદારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ટેક્સ વિભાગમાં કામ કરતા નીતિનભાઈ કાગડિયા અને સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ સિંગરખિયાનું મૃત્યું થયું છે.
સમગ્ર મામલે રાવલ નગરપાલિકાના પ્રમુખ મનોજભાઈ રામસિંહભાઈ જાદવે જણાવ્યુ હતુ કે, રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ ઓફિસ કામે ગાંધીનગર જઈ રહ્યા હતા. તમામ લોકો વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યે નીકળ્યા હતા. તેમની કારને જામનગર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નીતિનભાઈ ધીરુભાઈ કાગડિયા કે જેઓ ટેક્સ વિભાગમાં કર્મચારી તરીકે ફરજ નિભાવતા હતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.”
નગરપાલિકાના પ્રમુખના જણાવ્યા પ્રમાણે ત્રણ કર્મચારીને ઈજાગ્રસ્ત હાલતમાં જામનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં કનુભાઈ કાગડિયા, કેશુભાઈ બારૈયા અને મનોજભાઈ સિંગરખિયાનો સમાવેશ થાય છે.
જેમાંથી મનોજભાઈ સિંગરખિયાનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે.અકસ્માત બાદ બંને કારને ખૂબ નુકસાન થયું હતું. બલેનો કારના બોનેટના ફૂરચા નીકળી ગયા હતા.