મહાનગરપાલિકા દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ના નવા અધ્યાયની શરૂઆત સાથે શહેરને ‘ગ્રીન કેપિટલ’ બનાવવાનો સંકલ્પ જાહેર થયો છે. આ અભિયાન હેઠળ આવતા ચોમાસામાં ૧,૧૧,૧૧૧ સિંદૂરના વૃક્ષ તેમજ પીપળ, વડ અને ઉમરડાનું સમાન પ્રમાણમાં વાવેતર કરીને કુલ ૧૦ લાખથી વધુ વૃક્ષો રોપવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે વધુ માહિતી આપતા ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર માત્ર વૃક્ષારોપણ અભિયાન નથી, પણ દેશભક્તિ, પર્યાવરણ સંરક્ષણ અને આધ્યાત્મિક શક્તિના સંદેશ સાથે સંકળાયેલ એક હોલિસ્ટિક મૂવમેન્ટ છે. આ અભિયાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સમાં સ્થાન મળે તે માટે આયોજન પણ હાથ ધરાયું છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગાંધીનગર આવ્યા ત્યારે જણાવ્યું હતું કે, “આ અભિયાન હવે સૈન્યબળથી આગળ વધીને જનબળથી આગળ વધશે.” ઓપરેશન સિંદૂરના મૂળમાં ભારતીય સેનાના અસામાન્ય શૌર્યને સ્મરણરૂપ બનાવવાનો સંદેશ છુપાયેલો છે. શૌર્યની યાદગાર તરીકે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ દ્વારા કાયમી સ્મૃતિ ઊભી કરવાનો મહાનગરપાલિકાનો અભિપ્રાય છે.
આ અભિયાન અંતર્ગત વિવિધ રીતે ઉપયોગી અને વિશેષ મહત્વ ધરાવતા ચાર પ્રકારના ૧,૧૧,૧૧૧ વૃક્ષો એટલે કે કુલ વૃક્ષો ૧૦ લાખથી વધુ વૃક્ષો વાવવાનો નિર્ણય કરાયો છે. જેમકે, સિંદૂરના ઝાડ જે ભારતીય સંસ્કૃતિમાં પુણ્યપ્રદ અને શક્તિપ્રદ માનતી જાતિ તથા આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિબિંબ છે, તો પીપળના ઝાડ જે પ્રાચીન કાળથી જીવનદાયી ઓકસીજન આપવા માટે ઓળખાતા, ધાર્મિક અને આયુર્વેદિક રીતે મહત્વપૂર્ણ છે. સાથે વડના ઝાડ જે ભારતનું રાષ્ટ્રવૃક્ષ સમાન, ઔષધીય ગુણો ધરાવતું અને ઇકો સિસ્ટમ માટે આધારભૂત મનાય છે તથા ઉમરડાના ઝાડ જે વિશાળ છાંયડો આપનાર અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ભાગ છે આ ચારેય પ્રકારનો વૃક્ષો ઉગાડવામાં આવશે.
આ ઉપરાંત મહોગની, બોરસલી, રેઇન ટ્રી, કદમ, ટર્મેલીયા જેવા અનેક મોંઘા અને ઉપયોગી વૃક્ષોની પણ રોપણી થશે. આ સમગ્ર કાર્યક્રમ માટે ૨૦૨૪ના ચોમાસા દરમિયાન વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજા, રેસિડેન્સી, રીંગ રોડ અને અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ થવાનું છે. આ સમગ્ર અભિયાનને લોકભાગીદારીથી રાષ્ટ્રીય સ્તરે રોલ મોડેલ બનાવવાનો મહાનગરપાલિકાનો દ્રઢ સંકલ્પ છે.