ગાંધીનગરમાં પ્રેમાંધ પત્નીએ પ્રેમી સાથે મળી કારસો રચ્યો. પતિનું અપહરણ કર્યા બાદ પ્રેમી સાથે મળી હત્યાને અંજામ આપ્યો. પતિની કેનાલમાંથી લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં પત્નીના કારસ્તાનની સમગ્ર હકીકત ખૂલતાં પરિવાર પણ સ્તબ્ધ થયો. પોલીસે પત્ની સહિત ગુનામાં સંડોવાયેલા પ્રેમી અને અન્ય શખ્સોની અટકાયત કરી.
કોટેશ્વર નિવાસી યુવતી પાયલના અમદાવાદ રહેતા ભાવિક ચુનારા નામના યુવાન સાથે લગ્ન થયા. પરંતુ આ યુવાનને ખબર નહોતી કે તેની પત્ની તેને નહિ પરંતુ કોઈ અન્યને પ્રેમ કરે છે. ભાવિક ચુનારા લગ્નના ત્રણ દિવસ જ્યારે પત્ની પાયલને લેવા ગયો ત્યારે પત્નીના ષડયંત્રનો ભોગ બન્યો અને જીવ ગુમાવ્યો. ભાવિક લગ્ન બાદ કરાતી આણુ ફેરવવાની પ્રથા મુજબ પત્નીને લેવા તેના ઘેર કોટેશ્વર જતો હતો. ત્યારે રસ્તામાં જ ભાવિકનું અપહરણ થયું અને બાદમાં બે શખ્સ દ્વારા તેને કારમાં બેસાડી ગળે ટૂંપો દઈ મારી નાખ્યા બાદ કેનાલમાં ફેંકી દેવાયો.
કોટેશ્વરની યુવતી પોતાના મામાના દિકરા સાથે ગળાડૂબ પ્રેમમાં હતી. પાયલ તેના પ્રેમી એટલે કે પિતરાઈ ભાઈ સાથે રહેવા માંગતી હોવાથી તેણે પતિને દૂર કરવા પ્રેમી સાથે મળી પતિને મારવાનો કારસો રચ્યો. હત્યાના આ ષડયંત્રમાં પાયલને તેના પ્રેમી કલ્પેશ ઉપરાંત અન્ય બે લોકોએ પણ મદદ કરી હતી. કેનાલમાંથી ભાવિકની લાશ મળ્યા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સમગ્ર હકીકત સામે આવતા ભાવિકની હત્યા થઈ હોવાનો ભેદ ઉકેલાયો. ભાવિકના પરિવારજનોએ હત્યા માટે જવાબદાર તમામ આરોપીને કડક સજા કરવાની માંગ કરી હતી.