ગાંધીનગરમાં અકસ્માતમાં બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ઉનાવા મહુડી રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. કારે અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ ગાંધીનગરમાં આજે રવિવારના શાંતિના દિવસે ધોળા દહાડે મર્સિડીઝ કારે પીકઅપ ડાલા, બાઈક અને મારુતિ કારને પણ ટક્કર મારતા ઘટનાસ્થળે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. ફુલ સ્પીડમાં આવતી કારે ત્રણ વાહનોને અડફેટે લેતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં, રોડ ઉપરના પાનના ગલ્લાને પણ કારચાલકે અડફેટે લીધો હતો.
બસ સ્ટેન્ડ પર ઉભેલી મહિલાને પણ ટક્કર મારતા અકસ્માતમાં મહિલા સહિત બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. ઘટનાનાં પરિણામે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. એમ્બ્યુલન્સ અને પોલીસને ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર અકસ્માતમાં ત્રણ વાહનો સાથે પાનનો ગલ્લો અને મહિલાને ટક્કર મારવાના બનાવ સામે આવ્યા છે. બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જાઈ રહેલી મહિલાને પણ ચાલકે ટક્કર મારતા લોકોમાં હાલ ભયનો માહોલ છવાયો છે.