હરિયાણાથી ૪૦૭ ટ્રકમાં દારૂ અને બિયરનો ૩ હજારથી વધુનો જથ્થો ભરી ૯૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને અડાલજ ખાતે ડીલીવરી કરવા નીકળેલો ખેપીયો ગાંધીનગર જિલ્લામાં ઘૂસતા જ લોકલ ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે કલોલના સઈજ પાસેથી આબાદ રીતે ઝડપાઈ ગયો છે. ત્યારે ૧૫મી એપ્રિલના રોજ ટ્રકમાં ૯.૬૭ લાખની કિંમતનો દારૃ બિયરનો જથ્થો લઈને ખેપીયો ગાંધીનગર જિલ્લા સુધી આવી જતાં બોર્ડરો પર કડક નાકા બંધી હોવાની પોલ પણ ખુલી જવા પામી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા જિલ્લા પોલીસ મથકના અમલદારોને દારૂ જુગાર અને મિલકત સંબંધી ગુનાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ.પી. ઝાલાની ટીમના પીએસઆઇ ડી એસ રાઓલ સ્ટાફના માણસો સાથે રાત્રીના સમયે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ વખતે બાતમી મળી હતી કે, છત્રાલથી કલોલ થઈ દારૂનો જથ્થો ભરેલી ૪૦૭ ટ્રક નંબર (ડ્ઢન્-૧ન્ઉ- ૪૪૩૯)અડાલજ જવાની છે. જેનાં પગલે એલસીબીની ટીમે મધ્ય રાત્રે સઈજ ઈફ્કો સામે ઓએનજીસી સામેના રોડ પર વોચ ગોઠવી હતી. ઘણા સમય સુધી કાગડોળે રાહ જાયા પછી બાતમી મુજબની ટ્રક આવી પહોંચતા જ ઈશારો કરીને રોકી દેવામાં આવી હતી. જેનાં ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ શ્રવણ બાબુલાલ બીશનોઈ (રહે. ભાટીપ ગામ, જી. ઝાલોર રાજસ્થાન) હોવાનું કહ્યું હતું. આ ટ્રક લઈને ૨૫ વર્ષીય ખેપીયો શ્રવણ અડાલજ પહોંચીને વિક્રમસિંહને ફોન કરવાનો હતો. જે પછીથી વિક્રમસિંહનો માણસ આવીને દારૂ ભરેલી ટ્રક લઈ જવાનો હતો. આ પકડાયેલો દારૂનો જથ્થો ઓએસિસ ઓવરસીસ એક્સપોર્ટ પ્રા. લિ અંબાલા અને હરિયાણા લીકર પ્રા. લિ., ઝૂંડલા ગામ, હરિયાણા માર્કનો હોવાનું પણ વધુ તપાસમાં બહાર આવતા એલસીબીએ ૯ લાખ ૬૭ હજાર ૫૦૦ની કિંમતનો દારૃ બિયરનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન સહિત ૧૩ લાખ ૭૪ હજાર ૬૩૦નો મુદ્દામાલ જપ્ત કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.