ગાંધીનગરની એક પ્રતિષ્ઠિત આઇટી કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલા સાયબર છેતરપિંડીમાં કથિત રીતે રૂપિયા ૩૧ લાખ ગુમાવ્યા હતા. પીડિત કે જે સાથી અને વધારાની આવકની શોધખોળમાં હતો, દરમિયાન બેંગલોરમાં રહેતી એક મહિલાએ યુવકનો સંપર્ક કર્યો હતો જે પોતાને રોકાણકાર હોવાનો દાવો કરતી હતી.
ગયા વર્ષે એપ્રિલ ૨૦૨૪ માં બંને ડેટિંગ એપ પર જાડાયા. પોતાને શિરીન તરીકે ઓળખાવતી મહિલાએ યુવકને મેસેજ કરવાનું શરૂ કર્યું. મહિલાએ ટૂંક સમયમાં તેને રોકાણ દ્વારા પૈસા કમાવવામાં મદદ કરવાની ઓફર કરી અને એપ ડાઉનલોડ સાથે ટ્રેડિંગ વેબસાઇટની લિંક પણ શેર કરી.
ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શિરીને પહેલા તે વ્યક્તિને બાયબિટ વોલેટમાં ૨,૯૦૦ યુએસડીટી (લગભગ રૂપિયા ૨.૪૫ લાખ) રોકાણ કરવા કહ્યું હતું. એપ્રિલથી જૂન ૨૦૨૪ સુધીના બે મહિના દરમિયાન તેણીએ તેને ટેલિગ્રામ દ્વારા શેર કરાયેલા વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા ૨૮.૫૯ લાખ ટ્રાન્સફર કરવા માટે સમજાવ્યા હતા. બાદમાં વ્યક્તિએ કુલ રૂપિયા ૩૧.૦૪ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે સમય જતાં તે પોતાના પૈસા ઉપાડી શક્્યો ન હતો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. પોલીસે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
સૂત્રો મુજબ હતું કે આ એક નવા છેતરપિંડીના વલણનો એક ભાગ છે જ્યાં ગુનેગારો વિશ્વાસ મેળવવા માટે ડેટિંગ એપ્સનો ઉપયોગ કરે છે અને પછી પીડિતોને રોકાણ કૌભાંડોમાં ફસાવે છે. ચોંકાવનારૂં છે કે પીડિત એક એવી કંપનીમાં કામ કરે છે જે આઇટી અને સાયબર સુરક્ષા ઉકેલો પ્રદાન કરે છે. પોલીસ વ્યવહારોના સ્ત્રોતની તપાસ કરી રહી છે અને આરોપીઓને ઓળખવા માટે ડિજિટલ ફૂટપ્રિન્ટ્‌સ શોધી રહી છે.