મહાત્મા ગાંધી ‘ભિખારી’ હતા ?

ભાજપભક્તિમાં લીન અને નવી નવી હિંદુવાદના રંગે રંગાયેલી એક્ટ્રેસ કંગના રાણાવતે ગાંધીજી વિશે કરેલા લવારાના કારણે વિવાદ થઈ ગયો છે. કંગનાએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, દેશને અસલી આઝાદી 2014માં મળી જ્યારે 2017માં મળેલી આઝાદી તો ભીખ હતી.

મતલબ કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી જ દેશને સાચી આઝાદી મળી છે.

ભાજપના જ સાંસદ વરૂણ ગાંધીએ આ વાત સામે વાંધો લીધો. વરૂણે સવાલ કર્યો કે, દેશની આઝાદી માટે  લડનારા શહીદ મંગલ પાંડેથી માંડીને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર કરીને કંગના જે માનસિકતા બતાવી રહી છે તેને ગાંડપણ કહું કે દેશદ્રોહ ?

આ સવાલથી કંગના વધારે ભડકી ગઈ.

કંગનાએ ટ્વિટ કરીને વરૂણને જવાબ આપ્યો કે,  મેં સ્પષ્ટ કર્યું છે કે, 1857માં આઝાદીની પહેલી લડાઈ લડાઈ હતી કે જેને દબાવી દેવાઈ હતી. એ પછી બ્રિટિશ શાસને પોતાના અત્યાચાર અને ક્રૂરતાને વધારી દીધાં. પછી એક સદી પછી ગાંધીના ભીખના કટોરામાં આપણને આઝાદી આપી દીધી…..જાઓ અને રડ્યા કરો.

ગાંધીજી આ દેશના રાષ્ટ્રપિતા છે ને કંગનાએ આપણા રાષ્ટ્રપિતા માટે ગાંધીજી શબ્દ પણ નથી વાપર્યા, માત્ર ‘ગાંધી’ લખ્યું છે.

//////////////////////

ગાંધીજી વિશે આવી ગંદી ભાષા વાપરનારી કંગના પહેલી ‘ભક્ત’ નથી.

ભાજપ સત્તામાં આવ્યો એ પછી ભાજપના નેતા  ગાંધીજી તરફ અનાદર બતાવતા હોય એવી ઘટનાઓ વધી છે પણ એ પહેલાં પણ ભાજપના નેતાઓ ગાંધીજી વિશે અણછાજતી વાતો કરીને ગાંધીજીને નીચા દેખાડવાની કોશિશ કરતા જ હતા.  ભાજપનો એક વર્ગ તો સાવ નફ્ફટ બનીને ગાંધીજીના હત્યારા નાથુમરામ ગોડસેને દેશભક્ત સાબિત કરવા મચી જ પડેલો છે. ગોડસેને હીરો બનાવીને એ લોકો ગાંધીજીને હલકા ચિતરવાની મથામણ કર્યા કરે છે. ગોડસે હિંદુવાદી હતો ને હિંદુ મહાસભાનો સભ્ય હતો તેથી હિંદુવાદીઓને ગોડસે તરફ હેત ઉભરાય છે એ દેખીતું છે. આ માનસિક વિકૃત્તિ છે કેમ કે પોતાના જ દેશની આઝાદી માટે લડનારી વ્યક્તિની હત્યા કરનારો માણસ દેશભક્ત ના હોઈ શકે. જેમને ગાંધીજીનો હત્યારો દેશભક્ત કે મહાન લાગતો હોય એ બધા માનસિક રોગી છે. આ માનસિક રોગીઓના રોગની સારવાર કોઈની પાસે નથી.

ભાજપનાં ભોપાલ લોકસભા બેઠકનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર વારી ગયાં હતાં. ઠાકુરે હેગડેને દેશભક્ત ગણાવી દીધો હતો. એ વખતે ભાજપના કેટલાક નમૂના પજ્ઞાની વહારે ધાયેલા ને પ્રજ્ઞાનાં વખાણ કરેલાં.

ભાજપના કર્ણાટકના ટોચના નેતા અને એ વખતે મોદી સરકારમાં મંત્રી અનંતકુમાર હેગડેએ તો ટ્વિટ કરેલી કે, મને એ વાતનો આનંદ છે કે સાત દાયકા પછી આજની નવી પેઢી બદલાયેલા અભિગમ અને માહોલ સાથે ચર્ચા કરે છે. જેને અત્યાર લગી ભાંડ્યો હતો તેની વાત કોઈ સાંભળે તેવી તક આપે છે. આ ચર્ચાના કારણે છેવટે નાથુરામ ગોડસે ખુશ થતા હશે.

હેગડેની વાતનો અર્થ એ થાય કે, ગોડસેએ કશું ખોટું નહોતું કર્યું ને ગોડસેને સાત દાયકા લગી અન્યાય જ થયો. લોકોએ તેને વગર વાંકે હત્યારો ચિતરી દીધો પણ હવે  નવી પેઢી તેના દૃષ્ટિકોણને સમજે છે એ સારું છે.  હેગડેના આ લવારા પછી ભાજપના અનિલ સૌમિત્રે  ટ્વિટ કરી હતી કે, ગાંધીજી તો પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. બાકી તેમના જેવા તો અહીં કરોડો પેદા થયા ને તેમાંથી કેટલાક કામના હતા તો કેટલાક નકામા હતા.

ભાજપના નેતાઓને ગાંધીજી તરફ કેટલો આદર છે તેના આ થોડા નમૂના છે.

કંગના પોતે પણ ગાંધીજી તરફ પહેલાં અનાદર બતાવી જ ચૂકી છે. ગાંધીજીએ નહેરૂને વડાપ્રધાન બનાવ્યા એ સહિતના મુદ્દે પોતા અજ્ઞાનનું પ્રદર્શન કરી ચૂકી છે. ગાંધીજી ખરાબ પિતા હતા, પત્નિ સાથે દુર્વ્યવહાર કરતા એ પ્રકારની વાતો એ કરતી જ રહે છે.

//////////////////////

ગોડસેને દેશભક્ત ચિંતરનારા આ લોકો ગાંધીજીના યોગદાનને પણ તુચ્છ ગણે છે. ગાંધીજીના કારણે દેશને આઝાદી નહોતી મળી એવું સાબિત કરવા આ નમૂના મથ્યા જ કરે છે. ઘોર અજ્ઞાની અને કૂવામાંના દેડકા જેવા આ નમૂનાઓને ઈતિહાસની ખબર નથી, ગાંધીજીએ શું કર્યું તેની ખબર નથી ને લવારા કર્યા કરે છે.

કંગના પણ આવો જ નમૂનો છે.

આઝાદીની લડાઈમાં ગાંધીજીના યોગદાન સામે શંકા કરનારી વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક નેતાઓ પ્રેરિત છે. સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો. ગાંધીજીના સત્યાગ્રહમાં વ્યક્તિગત રીતે જોડાયા હતા ને તેમની વિચારધારા ગાંધીવિરોધી નહોતી પણ પછીથી સંઘ પર હિંદુ મહાસભાના નેતા ચડી બેઠા તેથી ગાંધીજીનો તિરસ્કાર શરૂ થયો. મુસ્લિમ વિરોધી માનસિકતા તેના મૂળમાં હતી. ડો. હેડગેવાર પછી સંઘના મુખિયા બનેલા માધવ સદાશિવ ગોળવેલકરે આ વિચારધારાને પોષવામાં યોગદાન આપ્યું તેથી સંઘનો એક વર્ગ ગાંધીજીની વિરોધી બન્યો. આ વર્ગનાં લોકો ગાંધીજી વિશે ગમે તેમ બોલ્યા કરે છે, તેમના યોગદાન સામે પણ સવાલો ઉઠાવ્યા કરે છે ને તેના કારણે વિવાદો થયા કરે છે.

આવો જ વિવાદ ગયા વરસે પણ થયેલો.

ગયા વરસે કોરોનાના કારણે લોકડાઉન લદાયું એ પહેલાં ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ ગાંધીજી વિશે બેફામ લવારો કર્યા હતા.  હેગડેના મતે, મહાત્મા ગાંધીના નેતૃત્વમા લડાયેલી આઝાદીની લડત અંગ્રેજોના સમર્થન અને અંગ્રેજોના ફાયદા માટે શરૂ થયેલું નાટક હતું. આ નાટક અંગ્રેજોના સમર્થનથી શરૂ થયેલું તેનો પુરાવો એ છે કે, આઝાદીની લડતના કહેવાતા નેતાઓને એક પણ વાર પોલીસે ફટકાર્યા નહોતા. હેગડેના મતે તેના પરથી સ્પષ્ટ છે કે, આઝાદીની લડત એક ગોઠવણ હતી.

હેગડેએ દાવો કરેલો કે,  પોતે ઈતિહાસ વાંચે છે અને આ પ્રકારના લોકોને મહાત્મા કહેવાયેલા જુએ છે ત્યારે લોહી ઉકળી ઉઠે છે. હેગડેએ બીજા બધા લવારા કર્યા છે ને તેનો ટૂંકમા સાર એ જ છે કે, ગાંધીજી તથા કોંગ્રેસના નેતા અંગ્રેજોના એજન્ટ હતા ને અંગ્રેજોના ફાયદા માટે આઝાદીની લડત શરૂ કરી હતી. ગાંધીજીને ભલે આખો દેશ મહાત્મા કહેતો હોય પણ ગાંધીજી મહાત્મા કહેવડાવવાને લાયક નહોતા.

કંગનાએ ગાંધીજી વિશે આ જ ગંદી ભાષામાં વાત કરી છે. હેગડેએ ગાંધીજી મહાત્મા કહેવડાવવાને લાયક નહોતા એવુ કહેલું તો કંગનાએ ગાંધીજીની ભિખારી ગણાવી દીધા છે.

//////////////////////

ગાંધીજીને કંગના કે બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર છે ?

બિલકુલ નહીં.

ગાંધીજીએ અંગ્રેજો સામેની લડતમાં શું કર્યું હતું એ જગજાહેર છે. ગાંધીજીએ આ દેશ માટે શું કર્યું તેની બધાંને ખબર છે. ગાંધીજી માત્ર સ્વાતંત્ર્ય સેનાની નહોતા પણ આ દેશમાં બહુ મોટું સફળ સામાજિક સુધારણા અભિયાન ચલાવનારા ક્રાતિવીર હતા.  તેમને કંગના જેવી અજ્ઞાની ને અંધભક્ત અભિનેત્રીના સર્ટિફિકેટની જરૂર જ નથી. ગાંધીજી કંગના જેવા ટૂણિયાટોના લવારાથી નાના થઈ જવાના નથી કે ભિખારી થઈ જવાના નથી પણ સવાલ માનસિકતાનો છે.

કંગના જેવાં લોકોની અને મોદી જેવા નેતાઓની પણ.

લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. એ હિસાબે કંગના પણ પોતાનો મત વ્યક્ત કરે તેમાં કશું ખોટું નથી પણ એ માટે એ જે ભાષા તેણે વાપરી છે એ હલકી છે ને છિછરી માનસિકતાની નિશાની છે.

આ દેશના રાષ્ટ્રપિતાને ભિખારી ગણાવનાર માનસિક રીતે બિમાર કહેવાય.

કમનસબી એ છે કે, આ મુદ્દે ભાજપ સાવ ચૂપ છે. કંગનાના લવારા સામે વરૂણ ગાંધી અને દિલ્હી ભાજપના નેતા કપૂર જેવા એકલદોકલ નેતાઓએ વાંધો લીધો પણ સત્તાવાર રીતે ભાજપ ચૂપ છે અને ગાંધીજીનાં વખાણ કરતાં જેમની જીભ સૂકાતી નથી એ મોદી પણ ચૂપ છે.

ભાજપ આ દેશનો સત્તાધારી પક્ષ છે, આ દેશમાં સૌથી મોટો પક્ષ છે ને છેલ્લાં કેટલાંક વરસોથી ગાંધીજીનું નામ કોંગ્રેસ કરતાં પણ વધારે વટાવી ખાય છે. ભાજપ કંગના જેવા નમૂનાઓના લવારા સામે ચૂપ રહે ને કશું ના કરે એ વધારે શરમજનક કહેવાય. ભાજપ રાજકીય ફાયદા માટે ગાંધીજીનું નામ વટાવે ને ગાંધીજીને ગાળો દેવાતી હોય ત્યારે ચૂપ રહે એ બેવડાં ધોરણ કહેવાય. ભાજપ માટે તો શરમજનક એ કહેવાય કે, કંગના અટલ બિહારી વાજપેયીનાં છ વર્ષના શાસનમાં પણ દેશ આઝાદ નહોતો એવું કહે છે.

જો કે ભાજપ ચૂપ રહે તેનાથી કશો ફરક પડતો નથી કેમ કે કંગના જેવા બહુ આવ્યા ને ગયા, ગાંધીજીને વરસોથી આ રીતે ગાળો અપાય છે પણ તેના કારણે ગાંધીજીને લોકો ગાળો આપતા થઈ ગયા ?

જરાય નહીં.

ગાંધીજી ખતમ થઈ ગયા ?

બિલકુલ નહીં.

ગોડસેએ ગાંધીજીને ગોળી મારીને ખતમ કરી નાંખવાની કોશિશ કરી તો પણ ગાંધીજી ખતમ ના થયા કેમ કે ગાંધી એક માણસ નહીં વિચારધારા છે. એક એવી વિચારધારા કે જેને કોઈ કદી ખતમ નહીં કરી શકે.

ગાંધીજીની હત્યા ભલે થઈ પણ તેમની  વિચારધારા નથી મરી. બલ્કે આ વિચારધારા વધારે પ્રબળ બની છે.  રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ અને હિંદુ મહાસભા સહિતનાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા વરસોથી ગાંધીજી સામે મનફાવે એવી વાતો કર્યા કરે છે પણ તેના કારણે ગાંધીજી અપ્રિય થયા નથી. ઉલટાનું ગાંધીજીની લોકપ્રિયતા વધી છે.

આજે દેશના રાજકારણમાં ગાંધીજી ચલણી સિક્કો છે જ. નરેન્દ્ર મોદી સંઘની વિચારધારાની પેદાશ છે. એ પોતે સંઘના નેતાઓને કોરાણે મૂકીને ગાંધીજીનાં ગુણગાન ગાતા થઈ ગયા હોય તેનાથી વધારે ગાંધીજીના વધેલા પ્રભાવનો પુરાવો બીજો શો હોઈ શકે ?

કમનસીબી એ છે કે, મોદી સહિતના નેતાઓને ગાંધીજીનું નામ વાપરવામાં જ રસ છે, ગાંધીજી સામે ગંદી વાતો કરનારાંને ઠપકારીને ચૂપ કરી દેવામાં રસ નથી.