(૧) કોઈ પણ વસ્તુની ઝંખના કરો તો તમને તે મળશે?
દીપમલા એન હરિયાણી (ખાંભા)
એનાથી ઊંધું થયું છે. જે જે વસ્તુએ મારી ઝંખના કરી એને હું મળ્યો છુ!
(૨) તમને પેન્શન મળે છે?
મકવાણા વિશાલ (બાબરા)
પેન્શન અને પગાર બેય સાથે ન મળે!
(૩) કુદરતે તમાકુના છોડનું સર્જન જ ના કર્યું હોત તો સારું હોતને?
કનુભાઈ પરમાર (દામનગર)
એમ તો માણસનું જ સર્જન ન કર્યું હોત તો તમાકુના છોડને પણ સારું હોત!
(૪) ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ એમ કેમ કહેવાતું હશે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
હવે કેનેડા માટે આવું ન કહેવાય એનું ધ્યાન રાખજો. આવો ત્યારે થોડું લેતા આવજો.
(૫) “ગાંડાના ગામ ન હોય ” આ સત્ય હોય તો ગાંડા ક્યાં રહેતા હશે…?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
એની મસ્તીમાં!
(૬) સાહેબ..! તમારો આખો ફોટો પેપરમાં આપજો જેથી અમને ખબર પડે કે તમે શ્રાવણ મહિનામાં એકટાણા કર્યા હતાં કે પછી ત્રણ ટાઈમ…
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
તમે કહેતા હો તો લારીવાળાનું પ્રમાણપત્ર મોકલું કે સાહેબ આખો શ્રાવણ મહિનો મગફળીના ઓળા લઇ ગયા છે!
(૭) આજના યુગમાં એક વાત જોવા જેવી છે કે બાળકોને રમવા માટે મોબાઈલ આપી દેવામાં આવે છે. એ બંધ કરાવવું હોય તો ?
કોબાડ ભગવાન એસ. (મોટા સરાકડિયા)
આવો પ્રશ્ન એને જ થાય છે જેને બાળકોને રમવા પોતાનો મોબાઈલ આપવો પડતો હોય.
(૮) અવકાશયાત્રીઓ જ્યારે ગુજરાત તરફથી પસાર થતા હશે ત્યારે આપણા ગુજરાતના “ખાડાધારી” રોડને ચંદ્રની સપાટી સમજી લેતા હશે?
આસિફ કાદરી (રાજુલા)
ના ના, ચંદ્ર પર આટલા બધા ખાડા ન હોય!
(૯) આટલો વરસાદ થયો તોય આટલી ગરમી છે તેનું કારણ શું ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
પંખો ચાલુ કરવાનું ભૂલી ગયા લાગો છો.
(૧૦) ગાંધીજીના ત્રણ વાંદરાં અત્યારે ક્યાં હશે?
નિદા નસીમ (ઉના)
ગાંધીજી પાસે.
(૧૧) મોદીકાકા આ નવરાત્રીમાં રજા આપશે?
માલવીયા હાર્દિક (માધુપુર)
આમાં મોદીકાકા નહિ, તમારા કાકા રજા આપે એ જરૂરી છે.
(૧૨) સાહેબ..! તમે બધા સવાલોના જવાબ આપો ત્યારે કોઈ ડર મનમાં હોય છે કે એકદમ નિખાલસ જવાબ આપો છો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
મનમાં ડર હોય છે કે જવાબ વાંચીને બધા દાંત કાઢશે અને એ ડર સાચો પણ પડે છે!
(૧૩) ક્યાંય ગમતું નથી. શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
સાતમ આઠમ પર વધારે રમાઈ ગયું છેને?!
(૧૪) દૂધ ફાટી જાય તો કોની પાસે સીવડાવવા જવાનું?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
દૂધ પિવડાવાય એ ખબર હતી. દૂધ સિવડાવાય એ તમે કીધું.
(૧૫) આપણા ઘરમાં સામેવાળી વ્યક્તિનો મગજનો પારો સો ડિગ્રી ઉપર જાય ત્યારે નીચે લાવવા શું કરવું જોઈએ?
જયશ્રીબેન બી મહેતા (કોટડાપીઠા)
આપણો પારો એકસો બે પર પહોંચાડી દેવાય એટલે સામેવાળી વ્યક્તિનો પારો આપણાથી નીચો આવી ગયો કહેવાય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..