આ પુષ્પછોડનું મૂળ વતન મેક્સિકો દેશ છે. ભારતમાં છેલ્લાં ૪૦૦ વર્ષથી સર્વત્ર બાગબગીચાઓ તથા ઘર આંગણામાં ગલગોટા વવાય છે. જે પોર્ટૂગીઝ દ્વારા આપણા દેશમાં સૌપ્રથમ વાર લાવવામાં આવેલ હતા. આજના સમયમાં રોજીંદી આવક મેળવવા માટેનું માધ્યમ છે. ગલગોટાને અંગ્રેજીમાં ”મેરીગોલ્ડ” કહેવામાં આવે છે. ગુજરાતીમાં તે ”હજારીગલ” તરીકે પણ ઓળખાય છે. ગલગોટાનું સંસ્કૃત નામ ” સ્થુલ પુષ્પ ” છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે. ગલગોટા તેની સરળ ખેતી પધ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકૂળ થવાની શકિત, આખા વર્ષ દરમ્યાન કરી શકાતી ખેતી, ફૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉશકિત અને આકર્ષક રંગોવાળા ફૂલોને લીધે આપણા દેશમાં સૌથી વધુ લોકપ્રિય અને લોકભોગ્ય બન્યા છે. ગલગોટા તેના નારંગી અને પીળા રંગ પરનાં પ્રભુત્વને કારણે ધાર્મિક વિધિઓમાં, શણગાર, ફૂલોની સુશોભિત રંગોળી બનાવવા માટે છુટા ફૂલનાં રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ફૂલોના રંગ, કદ અને આકાર તેમજ છોડનાં કદ અને વિકાસમાં રહેલ વૈવિધ્યતાને લીધે બગીચામાં સુશોભિત ફૂલછોડ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકોમાં મૂળના કૃમિ તેમજ નુકસાનકારક લીલી ઈયળને આવતી રોકે છે. વળી, ગલગોટાના ફૂલોમાં લ્યુટીન નામનો કુદરતી કલર આવેલ છે. સામાન્ય રીતે ગલગોટાની ખેતી આપણા દેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધપ્રદેશ, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે.
સામાન્ય રીતે ગલગોટાના બે પ્રકાર જોવા મળે છે: ફ્રેંચ મેરીગોલ્ડ અથવા ગલગોટી: તેના છોડ ઠીંગણા રપ થી ૩૦ સે.મી. ઉંચાઈના, ફૂલો નાના કદનાં પરંતુ મોટી સંખ્યામાં અને પીળા, નારંગી, લાલ, કથ્થઈ રંગોના મિશ્રણ વાળા જોવા મળે છે. જેનો ઉપયોગ બાગ બગીચાના સુશોભિત ફૂલ છોડ તરીકે મુખ્યત્વે કરવામાં આવે છે. આ ગલગોટાના પ્રકારમાં બટર સ્કોચ, રસ્ટીરેટ વગેરે મુખ્ય જાતો છે.
આફ્રિકન મેરીગોલ્ડ: આફ્રિકન મેરીગોલ્ડના છોડ ૬૦ થી ૯૦ સે.મી ઉંચા, ફૂલ મોટા કદના, પીળા, નારંગી કે આછા પીળા રંગવાળા અને સારી ટકાઉશકિત ધરાવે છે. આ વર્ગમાં તેના ફૂલોના રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો છે. જેવી કે, જાયન્ટ, ક્રાયસેન્થીમમ ચાર્મ, હનીકોમ્બ, કલાયમેકસ તેમજ સફેદ રંગના ફૂલો ધરાવતી સ્નો બર્ડ નામની જાત પણ વિકસાવવામાં આવેલ છે. વળી, આઈ.એ.આર.આઈ. નવી દિલ્હીથી બે હાઈબ્રીડ જાતો પુસા નારંગી ગેંદા અને પુસા બસંતી ગેંદા બહાર પાડવામાં આવેલ છે જે ગુજરાતમાં પણ સફળતા પૂર્વક ઉછેરી શકાય છે. ગલગોટાને આપણા વિસ્તારની બધા જ પ્રકારની આબોહવા માફક આવતી હોઈ વર્ષની ત્રણેય ઋતુમાં ઉછેરી શકાય છે. છતાં શિયાળાનું માફકસરનું ઠંડુ હવામાન અને ટૂંકા દિવસનો ખુલ્લો સૂર્યપ્રકાશ ફૂલ ઉત્પાદન માટે વધારે સાનુકૂળ માલુમ પડેલ છે. શિયાળામાં છોડનો વિકાસ ખૂબ જ ઓછો જોવા મળે છે, પરંતુ ઉત્તમ ગુણવત્તા (રંગ, કદ અને આકાર) વાળા ફૂલોનું ઉત્પાદન મળે છે. જયારે ઉનાળા અને ચોમાસામાં ઉંચું ઉષ્ણતામાન અને લાંબા દિવસને લીધે પુષ્પકળી ભેદીકરણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી વાનસ્પતિક વૃધ્ધિ ખૂબ જ વધુ થાય છે. પરિણામે ફૂલો ઉતરતી કક્ષાનાં અને ઓછું ઉત્પાદન આપે છે અને છોડની ઢળી પડવાની તકલીફ વધારે જોવા મળે છે. ગલગોટાને બધા જ પ્રકારની હલકીથી ભારે કાળી જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. ગલગોટાને સારા નિતારવાળી ફળદ્રુપ, ગોરાડુ અને જેનો પી.એચ. આંક ૭.૦ થી ૭.૫ હોય તેવી જમીન ખૂબ જ માફક આવે છે. જમીનની તૈયારી કરતી વખતે હેકટર દીઠ ર૦ થી રપ ટન સારુ કોહવાયેલું છાણિયુ ખાતર જમીનમાં મેળવી દેવું. ગલગોટાના સારા ઉત્પાદન માટે પ્રતિ હેકટરે ર૦૦ કિલો નાઈટ્રોજન, ૧૦૦ કિલો ફોસ્ફરસ અને ૧૦૦ કિલો પોટાશ તત્વના રૂપમાં આપવું. જેમાં નાઈટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો જમીન તૈયાર કરતી વખતે ફેરરોપણી પહેલા આપવો. જયારે નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો ફેરરોપણી બાદ ૪પ દિવસ પછી છોડની ફરતે ગોડ મારી રીંગમાં આપવો. ગલગોટાના ફૂલો છોડ પરથી પૂરેપૂરા ખીલે ત્યારે ઉતારવા જોઈએ. ફૂલો ઉતારવાનું કામ વહેલી સવારે અથવા સાંજે પરંતુ ઠંડા પહોરમાં કરવું હિતાવહ છે. ફૂલો વિણવાના આગલા દિવસે પિયત આપવાથી ફૂલોની ટકાઉ શક્તિ વધે છે. છુટા ફૂલોને ઉતાર્યા બાદ શણની કોથળીમાં અથવા વાંસના ટોપલામાં ભરીને બજારે મોકલવા જોઈએ. છોડ ઉપરથી નિયમિત ફૂલો ચુંટવાથી છોડની ઉત્પાદન ક્ષમતા વધે છે. ગલગોટાના ફૂલોને સામાન્ય રીતે ચુંટતી વખતે જ અલગ અલગ રંગ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. તદઉપરાંત તેના કદ અને જાત પ્રમાણે પણ અલગ રાખી શકાય. સિંગલ ફૂલ અને ગુચ્છાદાર (ડબલ) ફૂલોને અલગ અલગ ચુંટી વર્ગીકરણ કરવાથી ભાવ સારા મળે છે. છુટાં ફૂલોને ઉતાર્યા બાદ તુરત જ બજારમાં મોકલવા જોઈએ. બજાર દૂર હોય તો વાંસના ટોપલામાં પાણીમાં પલાળેલ મસલીન કાપડમાં ફૂલોને મૂકી પેકીંગ કરવું જોઈએ.
ફૂલોનું ઉત્પાદનઃ ગલગોટામાં ઉત્પાદનનો આધાર તેની જાત, ઋતુ, વાવેતર પદ્ઘતિ, રોપણી અંતર અને ખાતર – પાણીની માવજત ઉપર આધાર રાખે છે. છતાં સામાન્ય સંજોગોમાં આફ્રિકન મેરીગોલ્ડ (ગલગોટા) નું ઉત્પાદન ૧ર થી ૧પ ટન પ્રતિ હેકટર લઈ શકાય છે.