અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની સતત પડખે રહી અનોખા સેવા કાર્યને વરેલું છે. એક મહિલાને ગૃહ કંકાસમાંથી ઉગારવાની સાથે તેનો સંસાર પણ અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરે બચાવ્યો છે, ગર્ભવતી અને હિંસાગ્રસ્ત સ્થિતિમાં હતી તેવી મહિલાને બે પુત્રો સાથે છોડીને ગયેલા પતિ સાથે આ પરિવારનું સુઃખદ મિલન કરાવવામાં સફળતા મળી છે. ગર્ભવતી મહિલાના પતિ તેમને અને તેમના બે બાળકો સાથે તેમને એકલા મૂકી નાસી ગયા હતા, આ હિંસાગ્રસ્ત મહિલા તેના બે પુત્રો સાથે લગભગ દોઢ-બે મહિનાથી વિકાસગૃહ ખાતે આશ્રય મેળવી રહેતા હતા. હિંસાગ્રસ્ત મહિલાના પતિની વાડી વિસ્તારમાં તપાસ કરતા અંતે એક વાડીમાંથી મહિલાના પતિ અને તેમનો મોટો પુત્ર મળી આવ્યાં હતા. તે બંનેને સિવિલમાં આ મહિલા સુધી લાવવામાં આવ્યાં હતા. પરંતુ પતિ હિંસાગ્રસ્ત મહિલાની જવાબદારી લેવાની ના પાડતા હોય, “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રત્નાબેન ગોસ્વામી દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમને પરિવારની મહત્તા વિશે સમજાવવામાં આવ્યા હતા. અંતે હિંસાગ્રસ્ત મહિલાના પતિ આ મહિલા અને તેમના બાળકોની જવાબદારી લેવા તૈયાર થયા હતા.






































