ગરૂડા એપ્લિકેશનના ફરજિયાત ઉપયોગના વિરોધમાં બગસરા તાલુકાના શિક્ષકો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ચૂંટણી પંચ દ્વારા બુથ લેવલ ઓફિસર તરીકે કામ કરતા શિક્ષકોને ગરૂડા એપ્લિકેશન દ્વારા એન્ટ્રી કરવી ફરજિયાત કરવામાં આવતા સરકારના આ નિર્ણયને બદલવા શિક્ષકોએ આવેદન પાઠવી માંગ કરી હતી. મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી બુથ લેવલ ઓફિસર તરીકે શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ કરી રહ્યા છે. તેઓ બુથ પર બેસી અરજદારોના ફોર્મ ભરી મામલતદાર કચેરીમાં પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે પરંતુ સરકાર દ્વારા આ તમામ ફોર્મને ગરૂડા એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન કરવા જણાવાતા કામગીરીનું ભારણ વધતા બગસરા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ કેયુરભાઇ ઢોલરીયા સહિતના શિક્ષકોએ આવેદન પાઠવ્યું હતું.