ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે.

સૌરાષ્ટ્રમાં પહેલાં કમોસમી વરસાદ પડ્‌યો ને પછી કાળઝાળ ગરમી પડવા માંડતા લોકોની હાલત ખરાબ છે. હવામાન વિભાગે ગુજરાતમાં તાપમાન ૪૫ ડિગ્રીને પાર થઈ જશે એવી આગાહી કરી છે એ જોતાં હવે પછીના દિવસો વધારે કપરા હશે.
ગુજરાતમાં મે મહિનો સૌથી ગરમ હોય છે પણ આ વર્ષે એપ્રિલમાં જ આકાશમાંથી અગનગોળા વરસવા માંડેલા. મે આવતાં આવતાં તો ગરમીએ માઝા મૂકી દીધી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ એક સપ્તાહ ગરમીથી રાહત નહીં મળે એ જોતાં જૂન સુધી પણ લોકોને રાહત નહીં મળે એવું લાગે છે.

ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે.
પહેલું કારણ બેફામ શહેરીકરણ થઈ રહ્યું છે. બીજું કારણ વધતી વસતીના પ્રમાણમાં ગ્રીન કવર એટલે કે લીલોતરીમાં વધારો નથી થતો. ત્રીજું કારણ વાહનો તથા બીજાં કારણોસર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં થઈ રહેલો બેફામ વધારો છે.
વૃક્ષો ઓક્સિજન પેદા કરે છે અને કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. વૃક્ષો ગરમી સામે આવરણ છે. ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં જંગલો જ નથી તેથી કાર્બન ડાયોક્સાઈડ શોષાતો નથી ને ગરમી વધ્યા કરે છે. સૂર્યના કિરણોને સીધા જમીન પર પડવા નથી દેતા તેથી જમીન ઓછી તપે. એ રીતે ગરમીની અસરને ખાળીને તાપમાનને ઓછું કરે છે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડીયાએ ૨૦૨૧-૨૨ના વર્ષમાં ભારતમાં જંગલ વિસ્તાર કેટલો છે તેના આંકડા બહાર પાડેલા. રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા સર્વે કરીને બહાર પડાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર આ પૈકી સૌથી વધુ જંગલ વિસ્તાર મધ્યપ્રદેશ રાજ્યમાં છે જ્યારે સૌથી ઓછો જંગલ વિસ્તાર હરિયાણા રાજ્યમાં છે. મધ્ય પ્રદેશમાં કુલ જમીન વિસ્તારના ૨૪.૬૨% જંગલ વિસ્તાર છે જ્યારે હરિયાણામાં કુલ જમીન વિસ્તારના ૩.૬૩% જંગલ વિસ્તાર છે.
ગુજરાત મધ્યમ જંગલો ધરાવતાં રાજ્યોમાં આવે છે. કેમ કે ગુજરાતમાં કુલ જમીનના ૧૧.૧૪% જંગલ વિસ્તાર છે. આ વિસ્તાર બહુ જ ઓછો છે. ગુજરાતની મધ્ય પ્રદેશ સાથે તો સરખામણી શક્ય જ નથી પણ દેશમાં સરેરાશ જંગલ વિસ્તાર કરતાં પણ લગભગ અડધો જંગલ વિસ્તાર ગુજરાત ધરાવે છે. ભારતમાં કુલ જમીનમાંથી જંગલ વિસ્તાર ૨૧.૭૧ % છે તેની સામે ગુજરાતમાં આ પ્રમાણ માત્ર ૧૧ ટકા જેટલું છે.

ગુજરાતમાં વિકાસના નામે વધી રહેલા શહેરીકરણના કારણે જંગલો કપાઈ રહ્યાં છે, લીલોતરી ઘટી રહી છે. શહેરી વિસ્તારોની આસપાસ આવેલાં ગામડાંને શહેરમાં સમાવી લેવાય તેથી ત્યાંની ખેતીની જમીનોને બિન-ખેતીની કરીને મોટી ઈમારતો, ફેક્ટરીઓ વગેરે બની રહ્યાં છે.
ગુજરાતમાં આદર્શ રીતે ૩૩ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ગુજરાતની વસતી ૭ કરોડ હોવાથી ૪૦ ટકા જંગલ પણ ઓછા પડે પણ માત્ર ૧૧ ટકા વિસ્તારમાં જંગલો હોવાથી પણ ગરમી વધી રહી છે. ગુજરાતમાં જે જંગલો છે તેમાંથી મોટા ભાગના જંગલો નામ પૂરતા છે.
ગુજરાતમાં ગાઢ જંગલો તો છે જ નહીં.
ગુજરાતમાં માત્ર ૧૧૪ ચોરસ કિ.મી.ના વિસ્તારમાં ગાઢ જંગલો છે. ગુજરાતના ફકત બે જ જિલ્લામાં પથરાયેલા આ ગાઢ જંગલોમાં ડાંગ જિલ્લામાં ૭૮ ચોરસ કિ.મી. જયારે સુરત જિલ્લામાં રપ ચોરસ કિ.મી.ના વિસ્તારમાં છે.
મધ્યમ ગીચતા વાળા જંગલોમાં ડાંગ જિલ્લામાં ૧,૦૧૩ ચોરસ કિ.મી., જૂનાગઢમાં ૯૨૬ ચોરસ કિમી વિસ્તારમાં અને સુરત જિલ્લામાં ૮પ૬ ચોરસ કિ.મી. વિસ્તારમાં મધ્યમ ગીચતા વાળા જંગલ વિસ્તાર છે. મધ્યમ ગીચતાવાળા જંગલો ગુજરાતના દરેક જિલ્લામાં છે પણ તેનું પ્રમાણ નહિવત છે.
ઓછી ગીચતાવાળા જંગલો પણ ગુજરાતના તમામ જિલ્લામાં છે. કચ્છ જિલ્લો ૨૨૮૩ ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે પહેલા નંબરે છે. જૂનાગઢ ૧૬૦૮ ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે બીજા અને ડાંગ જિલ્લો ૧,૪૧૭ ચોરસ કિ.મી. સાથે ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર કચ્છ જિલ્લાનો છે. કચ્છ જિલ્લાનો વિસ્તાર ૪પ,૬પર ચોરસ કિલોમીટર છે પણ કચ્છમાં ફકત રણ પ્રદેશ હોવાના કારણે જંગલોનું પ્રમાણ નહિવત છે. મતલબ કે, ગુજરાતમાં લગભગ ત્રીજા ભાગના વિસ્તારમાં તો રણ જ છે.
ગુજરાતમાં વધી રહેલી વસતીના પ્રમાણમાં વૃક્ષો અને જંગલ વિસ્તાર નથી વધી રહ્યાં એ સમસ્યા છે.
ગુજરાતમાં ઈ.સ. ૧૯૯૧માં ૪.૧૩ કરોડની વસ્તી હતી કે જે ૨૦૧૧માં વધીને ૬.૦૪ કરોડ થઈ. અત્યારે ગુજરાતની વસતી ૭ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ગુજરાતની વસ્તીમાં ૨૩ વર્ષમાં ૭૫ ટકાનો વધારો થયો છે. બીજી તરફ ગુજરાતનો વન વિસ્તાર ૨૦૦૧માં ૧૯૦૧૪ ચોરસ કિલોમીટર હતો એ વધીને માત્ર ૨૧૮૫૯ ચોરસ કિલોમીટર જ થયો છે. મતલબ કે ગુજરાતમાં વન વિસ્તારમાં માત્ર ૧૦ ટકાનો વધારો થયો છે. મહત્વની વાત એ છે કે ૨૦૧૫-૧૬માં રાજ્યમાં વન વિસ્તાર કુલ જમીનના ૧૧.૩૬ ટકા જંગલ વિસ્તાર ટકા હતો તે ઘટીને ૧૧.૧૪ ટકા થઈ ગયો છે.

ગુજરાતમાં શહેરીકરણનો પણ અતિરેક થઈ ગયો છે.
વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે ભારતની કુલ વસતીમાંથી ૩૪ ટકા વસતી હાલમાં શહેરોમાં વસે છે. ભારતમાં ૧૯૦૧ની વસતી ગણતરી થઈ ત્યારે ૧૧.૪ ટકા વસતી શહેરોમાં વસતી હતી. એક સદી એટલે કે સો વરસમાં આ પ્રમાણ બમણા કરતું પણ વધારે થઈ ગયું. ૨૦૦૧ની વસતી ગણતરી વખતે ભારતની ૨૮.૫૩ ટકા વસતી શહેરોમાં વસતી હતી. ૨૦૧૭માં ૩૪ ટકા વસતી શહેરોમાં વસતી હતી.
ભારતનાં વધી રહેલા શહેરીકરણને વર્લ્ડ બેંક ખતરનાક ગણાવે છે ત્યારે ગુજરાતમાં દેશ કરતાં વધારે ઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે. ગુજરાતની કુલ વસતીમાંથી લગભગ ૫૦ ટકા વસતી હાલમાં શહેરોમાં વસે છે. ગુજરાતમાં ગામડાં તૂટી રહ્યાં છે અને શહેરો વધી રહ્યાં છે.
૨૦૦૧ની વસતી ગણતરી વખતે ગુજરાતની ૩૨ ટકા વસતી શહેરોમાં હતી ને ૨૦૧૧માં ૪૧ ટકા વસતી શહેરોમાં વસતી હતી. ૨૦૩૦ સુધીમાં ગુજરાતની ૬૦ ટકા વસતી શહેરોમાં વસતી હશે.
ગુજરાતમાં શહેરોનો વિસ્તાર કરવા માટે વિકાસના નામે આસપાસનાં ગામડાં તોડાઈ રહ્યાં છે. સાથે સાથે ગામડાંમાંથી જંગી પ્રમાણમાં વસતી શહેરોમાં ઠલવાઈ રહી છે.
આ વસતીને રહેવા માટે કોન્ક્રિટના જંગલો બની રહ્યા છે. હાઈ રાઈઝ નાના નાના ફ્‌લેટ્‌સ બની રહ્યા છે અને આ ફ્‌લેટ્‌સ બનાવવા માટે વૃક્ષો કપાઈ રહ્યાં છે. તેના કારણે શહેરી વિસ્તારમાં ગીચ વસ્તી છે ત્યાં વન વિસ્તાર કહેવા પૂરતો રહી ગયો છે. અમદાવાદ જિલ્લાના ૭૧૭૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વૃક્ષનો વિસ્તાર માત્ર ૧૦૭ ચો.કિ.મી. છે. રાજકોટ જિલ્લાના ૭૫૫૦ ચો.કિ.મી. વિસ્તારમાં માત્ર ૧૭૧ ચો.કિ.મી. વૃક્ષો છે. શહેરી વિસ્તારોમાં ઉભાં થયેલાં કોન્ક્રિટના જંગલોમાં દિવાલો તપે તેના કારણે પણ શહેરોમાં ગરમી વધારે અનુભવાય છે.
ગ્લોબલ વો‹મગ પણ વધતી ગરમી માટે કારણભૂત છે.
શહેરોમાં બેફામ ઝડપે વાહનો વધી રહ્યા છે, ઉદ્યોગો વધી રહ્યા છે તેથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ વધી રહ્યું છે પણ એટલા પ્રમાણમાં વૃક્ષો નથી વધતા તેથી કાર્બન ડાયોક્સાઈડ શોષાતો નથી. ગુજરાતમાં ત્રણ કરોડથી વધારે વાહનો છે. દરેક વાહનદીઠ ૧૦૦ વૃક્ષ હોવા જોઈએ પણ એટલા વૃક્ષો નથી. આ સિવાય ફેક્ટરીઓ, કોલસા આધારિત વીજળી ઉત્પાદન કરતાં પાવર સ્ટેશન વગેરેને કારણે પેદા થતો કાર્બન ડાયોક્સાઈડ શોષવા પૂરતા પ્રમાણમાં વૃક્ષો જ નથી.

ગરમી રોકવા અર્બન ફોરેસ્ટ બનાવવા જોઈએ.
ગુજરાતના ઘણા શહેરોમાં અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ શરૂ કરાયા છે પણ એ માત્ર દેખાડા પૂરતા છે. અર્બન ફોરેસ્ટ એટલે કે શહેરી જંગલ શહેરમાં વચ્ચોવચ્ચ હોવું જોઈએ કે જેથી આસપાસના આખા વિસ્તારને એટલે કે સમગ્ર શહેરને ઠંડક અને શીતળતા આપે, પર્યાવરણ સુધારે, પ્રદૂષણ ઓછું કરે, અસહ્ય તાપને ઘટાડે. તેના બદલે શહેરથી દૂર અર્બન ફોરેસ્ટ બનાવાય છે કેમ કે શહેરની વચ્ચેની જમીનો ઉંચા ભાવની છે. મ્યુનિસિપલ કોર્પોરેશનો આ જમીનો વેચીને રોકડી કરી લે છે.
અમદાવાદમાં એક સમયે શહેરની વચ્ચોવચ આવેલો ગુજરાત યુનિવર્સિટી આસપાસનો વિસ્તાર અર્બન ફોરેસ્ટ હતો પણ ધીરે ધીરે ત્યાં પણ વૃક્ષો કાપીને કોન્ક્રિટનું જંગલ ઉભું થઈ ગયું છે. ગુજરાત વિદ્યાપીઠના વિસ્તારમાં હજુ વૃક્ષો છે પણ એવા વિસ્તાર વધારે પ્રમાણમાં હોવા જોઈએ.
અમદાવાદ સહિતનાં શહેરોમાં શહેરની વચ્ચે ઘણા ગાર્ડન બનાવાયેલા છે. નાના-નાના પ્લોટને બગીચામાં ફેરવ્યા છે. આ બગીચાઓને જંગલોમાં ફેરવી દેવા જોઈએ અને ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરી દેવું જોઈએ પણ તેના બદલે લોન રાખીને મોટા ભાગનો વિસ્તાર ખુલ્લો રખાય છે. આ ગાર્ડનમાં પણ બાળકો માટેની રાઈડ્‌સ વગેરે મોટા પ્રમાણમાં ગોઠવીને કોર્પોરેશનો ધંધો જ કરે છે તેથી ગાર્ડન પણ દેખાવ પૂરતા છે. લોનનો પણ મતલબ નથી કેમ કે માથે સૂરજ તપતો હોય ત્યારે ખુલ્લી જગ્યામાં કોઈ બેસી શકવાનું નથી. ખુલ્લી લોનના બદલે બધે
વૃક્ષો વાવી દેવાય ને વૃક્ષોની નીચે બેંચ ગોઠવી દેવાય તો લોકો વૃક્ષોના છાંયડામાં બેસી શકે.