અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના માનવ પર હુમલાના બનાવો વધી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ બાબાપુર ખાતે ખેતમજૂરનાં બાળકને દીપડાએ ફાડી ખાધાની ઘટના બની હતી. ત્યારબાદ ગઈકાલે ચલાલાના ગરમલી ગામના પાદરમાં આવેલી એક વાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાતા ચકચાર મચી છે. વનવિભાગની ટીમ દ્વારા રાત્રિના સમયે ઘટનાસ્થળે પહોંચી પાંજરુ મૂકી દીપડાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ દીપડાને ઝડપી પાંજરે પૂર્યો હતો. અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓની સંખ્યા પણ દિનપ્રતિદિન રીતે વધી રહી છે જેના કારણે અવાર નવાર દીપડાઓ રહેણાંક વિસ્તાર અને વાડી સિમ વિસ્તારમાં ઘૂસી હુમલાઓ કરી ફાડી ખાવાના અનેક કિસ્સાઓ બની ચુક્યા છે. ફરીવાર દીપડાની હુમલાની ઘટના સામે આવી છે. ધારી તાલુકામાં ચલાલા નજીક આવેલ ગરમલી ગામના પાદરમાં આવેલ જોરૂભાઈ વાળાની વાડીમાં રહેતા દાહોદ જિલ્લાના રણધીકપુર તાલુકાના આદિવાસી પરિવાર ખેત મજૂરી અર્થે વસવાટ કરતો હતો. રાત્રિના સમયે પિતા અને પુત્ર બહાર ફળિયામાં ઊંઘી રહ્યા હતા ત્યારે પિતા અંદર ઓરડીમાં રૂમની લાઈટ કરવા જતા દીપડો આવી ચડ્‌યો હતો અને બે વર્ષીય ચિરાગ ભાભોર પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ બાળકના પિતાએ હાંકલા પડકારા કરતાં દીપડાએ બાળકને છોડી દીધો હતો. પરંતુ ગંભીર રીતે ઘાયલ ચિરાગનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયાને જાણ થતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને બાળકના પરિવારને સાંત્વના પાઠવી હતી.
રાત્રિના સમયે દીપડાએ હુમલો કર્યાની જાણ થતા જ ધારી ગીર પૂર્વ વનવિભાગની ટીમ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે દોડી આવી હતી. આ વિસ્તારમાં અલગ અલગ ત્રણ સ્થળો પર પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. વહેલી સવારે પાંચ વાગ્યે ત્રણથી ચાર વર્ષની ઉંમરનો દીપડો પાંજરામાં કેદ થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.