બાબરા તાલુકાના ગમાપીપળીયા ગામમાં આવેલા રામાપીરના મંદિરે આજે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭ વાગ્યે રામાપીરનો પાઠ અને ધજા ચડાવવામાં આવી હતી. બપોરે ૪ વાગ્યે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. ગામના પરંપરાગત રીતિ-રિવાજ મુજબ, ગામના તમામ દેવસ્થાનોમાં શ્રીફળ અને ધજા ચડાવવામાં આવ્યા હતા. લાડવા બનાવીને આખા ગામમાં કૂતરાઓને ફૂલ-પેટ ખવડાવવામાં આવ્યા હતા. સાંજે ૭ વાગ્યે રામાપીરના મંદિરે આરતીનો લાભ લેવા માટે ગામના ભાઈ-બહેનો, બાળકો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. આ પ્રસંગે રામાપીરની દેગ, ખોડીયાર માતાજીની લાપસી અને રાધે-કૃષ્ણની સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ મંદિરનું સંચાલન સમસ્ત ગામ અને બાબા રામદેવ રામામંડળ દ્વારા કરવામાં આવે છે.