અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગન લાબીનું જાહેરમાં સમર્થન કર્યું છે. તેમણે ટેક્સાસ સ્કૂલ ફાયરિંગનો દોષ ગન નહીં પણ શૈતાન પર થોપ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ બાઈડેન પર નિશાન તાકતા કહ્યું કે તે યુક્રેનને ૪૦ અબજ ડાલરની આર્થિક મદદ આપવા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાની જગ્યાએ પહેલા પોતાના ઘર (અમેરિકા)ને સંભાળે. ટેક્સાસમાં નેશનલ રાઈફલ એસોસિયેશન (એનઆરએ)ની કીનોટમાં મુખ્ય સ્પીકર ટ્રમ્પે કહ્યું કે અમેરિકી પરિવારોને તૂટતાં બચાવવા માટે સરકારે વધુ કામ કરવું જાઈએ. માનસિક ડિપ્રેશન અને સાઈબર બુલિંગથી કિશોરોને બચાવવા જાઈએ. તેમણે શિક્ષકોને સ્કૂલમાં ગન આપવાની તરફેણ પણ કરી હતી. કીનોટમાં ટેક્સાસના રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂઝે ગન ઈન્ડસ્ટ્રીનું પૂરજાશથી સમર્થન કર્યું.
નેશનલ રાઈફલ એસોસિયેશન(એનઆરએ)એ ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને લગભગ ૨૩૨ કરોડનું ડોનેશન આપ્યું હતું. અમેરિકામાં નવેમ્બરમાં મિડટર્મ ઈલેક્શન છે. ટ્રમ્પની નજર આ વખતે ૧૧૫ કરોડ રૂ.ના ડોનેશન પર છે. અમેરિકાની ગન લાબી રિપબ્લિકન સમર્થક છે. આ લાબીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર રહેલા ઓબામાને હરાવવા ૧૦૦ કરોડ રૂ. આપ્યા હતા.
અમેરિકામાં દર વર્ષે શૂટિંગની ઘટનાઓમાં ઘાયલો અને મૃતકોના પરિજનોને વળતર આપવામાં લગભગ સાડા સાત હજાર કરોડનો ખર્ચ થાય છે. આ રકમ અમેરિકાના જાહેર સ્વાસ્થ્ય ખર્ચની લગભગ અડધાથી વધુ છે. સરકારી એજન્સીઓના આંકડા અનુસાર અમેરિકામાં દર વર્ષે લગભગ ૩૩ હજાર લોકો ગોળી વાગવાની ઘટનાઅને કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે. સાથે જ લગભગ ૫૧ હજાર લોકોને ઈમરજન્સી રૂમમાં દાખલ કરવા પડે છે. હાર્વર્ડ મેડિકલ સ્ટડીના એક રિપોર્ટ અનુસાર ૨૦૦૮થી ૨૦૧૮ વચ્ચે ફાયરિંગની ઘટનાઓમાં ઘાયલોની સંખ્યામાં લગભગ ૪૦ ટકાનો વધારો થયો.
ટેક્સાસની ઉવાલ્ડે સ્કૂલ ફાયરિંગની ઘટનામાં હવે સાબિત થઈ ગયું છે કે પોલીસે લગભગ ૮૦ મિનિટનો વિલંબ કાર્યવાહીમાં
કર્યો હતો. મેક્સિકો સરહદ નજીક ઉવાલ્ડેમાં ૯૦ ટકાથી વધુ સ્પેનિશ મૂળનાં બાળકો ભણે છે. સ્પેનિશ મૂળનાં સંગઠનનો આરોપ છે કે પોલીસે ગંભીરતાથી કોઈ કાર્યવાહી ન કરી કેમ કે અહીં શ્વેત બાળકો ભણતાં નથી. આ પોલીસનું બેવડું વલણ છે.