ગોંડલમાં રાજકારણ ચરમસીમા પર છે તેવું કહી શકાય. ગોંડલના રાજસ્થાની યુવક રાજકુમાર જાટના પિતાએ વીડિયો જાહેર કરીને ગોંડલમાં ગુંડારાજ હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, દીકરાના હત્યારા સામે ૨ માસમાં કોઈ ફરિયાદ નહિ, પોસ્ટર ફાડનાર સામે તરત એફઆઇઆર થાય છે.
રાજકુમાર જાટના મોત બાદ ન્યાય માંગી રહેલા પિતા રતનલાલ જાટે વીડિયો રિલીઝ કરીને કહ્યું કે, હું
રાજકુમારનો પિતા રતનલાલ જાટ છેલ્લા બે મહિનાથી ન્યાય માટે લડી રહ્યો છું. ભારત સરકારને મારી હાથ જાડીને વિનંતી છે કે મારા દીકરાને ન્યાય અપાવો. હું મારા દીકરા માટે ન્યાય માંગી રહ્યો છું અને હું ઈચ્છું છું કે તમે આ કેસમાં તપાસ કરાવી આપો. જે લોકો ન્યાય અપાવવા માટે મારી સાથે ઉભા છે એમના અવાજને રાજકારણ બનાવવાનો પ્રયાસ આ ગુંડા લોકો કરી રહ્યા છે. જે લોકોએ માનું ધાવણ પીધું હોય તો આવે તેમ કહી ચેલન્જ આપ્યા પછી એ લોકો ત્યાં જાય, ગામમાં ફરે અને મંદિર દર્શન કરવા જાય છે. ત્યારે તમે જાયું હશે ગોંડલના ગુંડા, હત્યારા, ગુંડારાજ ચલાવતા લોકો કહે છે કે ગોંડલના લોકો કહે છે કે તેઓ અહીંયા ન આવે તેવું ઈચ્છી રહ્યા છે. પરંતુ ગોંડલના લોકોને તો ડરાવી ને રાખ્યા છે. આખા રાજકોટ જિલ્લાની પોલીસ ત્યાં ઉભી હતી એ પણ એક તરફી ચાલી રહી છે. બે ત્રણ દિવસ પહેલા જ ષડયંત્ર રચી દીધું હતું કે કેવી રીતે બોલાવવા અને કેવી રીતે વિરોધ કરવો. આ કેવો વિરોધ છે? આખા દેશના લોકોએ ગોંડલની આ હાલત જાઈ છે. બધાને ખબર પડી ગઈ છે કે ગોંડલમાં વાસ્તવમાં ગુંડારાજ જ છે.
તેમણે આગળ કહ્યું કે, એક ગુંડો, એક હત્યારો જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો છે. આ લોકો ગુંડારાજ ચલાવી રહ્યા છે અને બીજા લોકોને એવું કહે છે કે જાતિવાદી માનસિકતા. પરંતુ કોઈ જાતિવાદી માનસિકતા કોની અંદર હતી. તેઓ તો માત્ર ગોંડલ ફરવા આવી રહ્યા હતા. ધોળા દિવસે એમની ઉપર હુમલા થયા છે. ૯ વાગ્યાથી પોલીસ ઉભી કરી, ૮ વાગ્યાથી લોકોને ઉભા કરી દીધા, ગામમાં ઘૂસવા ન દીધા. એમનો વિચાર એવો જ હતો કે, આ લોકોને ગામમાં પ્રવેશ કરવા ન દેવો. પોલીસની હાજરીમાં દિવસ દરમિયાન તેમના ગુંડા લોકોએ શું હાલકર્યા. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, જીગીશાબેન ફરવા આવ્યા હતા. આ જ લોકોએ ગોંડલમાં તેમને બોલાવ્યા હતા. માના દૂધનો પડકાર ફેંકી બોલાવ્યા હતા. પોલીસની સામે આ લોકો પર હુમલો થાય છે. રાતના ૨ વાગ્યે ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો હતો. પોલીસ આ સીસીટીવી ફૂટેજ પણ નથી આપતી. કારણ કે પોલીસ પણ મળેલી છે.
મને અને મારા દીકરાને તેના બંગલામાં માર્યા હતા. અમે નીકળી ગયા ત્યાંથી તો તેઓ અમારી પાછળ આવ્યા હતા અને મારા દીકરાનો રૂમ જાઈ લીધો હતો. રાત્રે ૨ વાગ્યે ગણેશ જાડેજાએ એ જ ગાડીમાં મારા દીકરાને ઉઠાવી લીધો હતો. રતનલાલ જાટે કહ્યું કે, ગોંડલમાં એનું જ રાજ છે. એ જ હત્યારાનું રાજ છે. દીકરાને ઉઠાવી લીધો છે. ખૂબ માર માર્યો છે. માર મારીને એને ચલાવ્યો છે. મારી નાખવાનો ઈરાદો હતો અને પછી અકસ્માતમાં બતાવી હોસ્પિટલમાં રાખી દીધો. મારા દીકરાએ સામે જવાબ આપ્યો હતો, એની જ સજા મારા દીકરાને મળી છે. કાયરતાથી નહિ હિંમતથી માથું ઉંચુ કરી જવાબ આપ્યો એની સજા મારા દીકરાને મળી છે. કોઈ લોકો એની સામે અવાજ ઉઠાવવા તૈયાર નથી એવી જગ્યાએ મારા દીકરાએ તેના સવાલના સામે જવાબ આપ્યા એ જ એની ભૂલ હતી. મારો દીકરો નીડર અને બહાદુર હતો. સીસીટીવી પુરા નહિ બતાવે, કારણ કે પોલીસ પણ તેની સાથે મળેલી છે. જયરાજસિંહ જાડેજા કે ગોંડલ જાડેજા સામે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કેમ કાર્યવાહી નથી કરી કારણ કે તે તેની પાર્ટીના ધારાસભ્ય છે એટલે.