ગઢડાના રાયપર ગામે મસમોટા દારૂના જથ્થાના કટીંગ સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી અને ૭૮ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો જેનો રેલો આવતા ગઢડાના પી.આઇ. જે.બી. પંડિતને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે મોનિટરીંગ સેલની રેડ દરમિયાન તમામ આરોપીઓ ફરાર થયા હતા.ગત સપ્તાહમાં ગઢડાના રાયપર ગામની સીમમાં દારૂની હેરાફેરી અને મોટા પ્રમાણમાં ચાલી રહેલા દારૂના કટીંગ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે રેઈડ કરી હતી. આ દરમિયાન ૧૪,૫૬૫ જેટલી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ૪ વાહનો પણ જપ્ત કર્યા હતા. જેના પગલે રૂપિયા ૭૮.૪૫ લાખનો દારૂનો જથ્થો અને ૪ વાહનોની કિંમત રૂપિયા ૨૪ લાખ મળીને કુલ રૂપિયા એક કરોડ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ રેઈડ દરમિયાન તમામ આરોપીઓ નાસી છૂટયા હતા.જેમાં સ્થાનિક પી.આઇ. જે.બી. પંડિતની બેદરકારી સામે આવતા રાજ્ય પોલીસ વડાએ જે.બી. પંડિતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.