ગઢડા તાલુકાના પાડાપાણ ગામે વીજળીના ટીસી (ટ્રાન્સફોર્મર) લગાવવા માટે ઁય્ફઝ્રન્ ના નાયબ ઈજનેર પટેલ દ્વારા દાખવવામાં આવતી ઉદાસીનતાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં, અધિકારી કોઈનું સાંભળવા તૈયાર ન હોવાનું અને મનમાની કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. આ મામલે હવે ઊર્જા મંત્રી સુધી અરજી કરવામાં આવી છે. પાડાપાણ ગામના વતની અને દિવ્યાંગ ખેડૂત જીણાભાઈ છગનભાઇ પાંચાણી, જેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે, તેમણે પણ પોતાની વેદના વ્યક્ત કરી છે. ખેડૂતોને થઈ રહેલા આ નુકસાન અંગે અધિકારીઓ કે રાજકારણીઓને કોઈ પરવા ન હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખેતીપ્રધાન દેશની વાતો માત્ર વાતો રહી હોવાનું અને અધિકારીઓ એસીમાં બેસીને પોતાની મનમાની કરતા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના અધિકારીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો હોવાનું પણ જણાવાયું છે. હવે જોવું રહ્યું કે ઊર્જા મંત્રી આ મામલે શું પગલાં લે છે.