રાજકારણમાં ખુરશી પરથી ઉતરી જવું રાજકારણી માટે એક દુઃખદ ઘટના છે. ભારતના રાજકારણમાં એટલે જ નિવૃત્તિનો ખ્યાલ નથી. ચાર આશ્રમોનો હિંદુ ખ્યાલ પણ નથી. જીહજુરીયા અને ચાટુકારોથી ઘેરાયેલો નેતા સત્તાથી દૂર રહી શકતો નથી. થુક્દાન લઈને થુકેલું પાન ઝીલવા માટે ઉભેલા પડખીયા વિનાની જિંદગીની કલ્પના કરવી તેના માટે મુશ્કેલ છે. દરબારી હજુરિયાથી ઘેરાયેલી આખી જિંદગી એકલા વિતાવવી મુશ્કેલ હોય છે. એ ખુરશી પર ન હોય તો ઓલવાઈ ગયેલા બલ્બ જેવુંફિલ કરે છે. લાંબા સમય સુધી રાજકારણમાં અથાગ પ્રયત્નો બાદ પણ ખુરશી પર ન બેસી શકવું મહા દુખદ ઘટના છે. ખુરશીને યેનકેન ચીટકી રહેવું અને બેસવા માટે બીજાને પાડી દેવો ભારતીય રાજનીતિનો મુદ્રાલેખ છે. કહેવાય છે કે ભારતમાં મોટી ખુરશીમાં ગોઠવાઈ જવા નાનો માણસ કતાર દર કતાર ઉભો છે. અહી બીજો હંમેંશા તમને તમારી ખુરશી પરથી ઉતારી મુકવા માટે તત્પર અને તૈયાર હોય છે. જો એ પોતે નથી બેસી શકતો તો એ અમીચંદ, મીર ઝાફર, શશિગુપ્ત, આંભીકની જેમ આક્રાન્તાને બેસાડી દેવા માટે તૈયાર હોય છે. એટલે જ કહેવાયું છે કે સિંહાસનનો ચોથો પાયો સતત અસ્થિર હોય છે. જનાદેશ મેળવ્યા બાદ પણ એક રાજકીય બળ સતત ખુરશી સ્થિર રાખવા લગાડી રાખવું પડે છે. તમે બીજાના એવા સમયમાં કાપેલા તેની ખુરશીના પાયાનો ભૂતકાળ તમને સતાવે છે. તમારી આજની રાજનીતિ તમારૂ ભવિષ્ય છે. જે તમે આજે બીજા સાથે કરો છો, તેઓ આવતીકાલે તમારી સાથે તેમ જ કરશે. એ સાચું છે કે લોકશાહીમાં જનાદેશ આખરી છે, પણ એ સંસદભવન કે ધારાગૃહના ઉંબરા સુધી જ સાચું છે. ગૃહની અંદર તમારી બાજુની ખુરશી પર બેઠેલો તમારો સહયોગી છે કે વિરોધી એ ગૃહની અંદર બહુમત સાબિત કરતી વખતે ખબર પડે છે. આ બાજુથી ઉઠીને પેલી બાજુ બેસી જવું સ્વાભાવિક ઘટના છે. ભારતીય રાજનીતિએ વિશ્વને આયારામ ગયારામ, પલટુરામ, પાટલીબદલૂ જેવા શબ્દોની ભેંટ આપી છે. એંસી નેવું કરોડ મતદાતા વાળી લોકશાહીની સરકાર ગૃહમાં એક મત માટે ગબડી શકેછે. સિક્કાની બંને બાજુ જોઈએ તો એક સીટ ધરાવતાને તમે અવગણી ન શકો અને એક સીટ ધરાવતો તમને બ્લેકમેઈલ કરી શકે છે. પાંચસો બેતાળીસ સીટમાંથી માત્ર બાવીસ સીટ લડતો અને ત્રણ પર જીતતો પક્ષ ગઠજોડથી દેશની સરકાર બનાવવાનો દાવો કરી શકે છે, અને બસ્સો ચાલીસ જીતી જનાર પક્ષને ઉખાડી ફેંકવા માટે આહવાનો ચૂંટણી પ્રચાર દરમિયાન કરતો રહે છે. ગંભીર ગુના બદલ જેલ કાપતો નેતા જામીન પર છૂટીને દેશમાં બંધારણ ખતમ થઇ રહ્યું હોવાનો અપપ્રચાર છાતી ઠોકીને કરે છે. શેક્સપીયરના મહાન નાટક ઓથેલોના વિલન ઇયાગો જેવી ધ્યેયહીન દુર્જનતાની માનસિકતા ધરાવતા રાજકારણીઓ દેશની લોકશાહીના મૂલ્યોનો હાસ કરતા રહે છે. મહાન દેશોમાં જે જનાધાર મળે છે તેનો સંપૂર્ણ આદર થાય છે. મહાન સત્તાના નેતાઓ કે પ્રતિપક્ષ જે જનમત મળે તે સ્વીકારીને ધરાગૃહમાં પોતાની ભૂમિકા એ મુજબ નિભાવતા રહે છે. જો વિપક્ષમાં બેસવાનો પ્રજાદેશ મળે તો એ જગ્યાએ બેસીને રાજકીય પક્ષો અને પ્રતિનિધિઓ ફરજ નિભાવે છે. ઈંગ્લેન્ડમાં ૧૯૨૫માં મજૂર પક્ષને બહુમતી મળી, પણ બીજા બે વિપક્ષો ભેગા થઇ જાય તો મજૂર પક્ષ સરકાર બનાવી શકે નહિ. પરંતુ બંને વિપક્ષોએ પ્રથમ વખત મજૂર પક્ષને મળેલ બહુમતીનો આદર કરીને મજૂર પક્ષને સત્તા અપાવી. જેના કારણે ઈંગ્લેન્ડમાં સૌ પ્રથમ રામસે મેકડોનાલ્ડના નેતૃત્વમાં મજૂર પક્ષની સરકાર બની. દેશ અંગેના મૂલ્યો પ્રસ્થાપિત કરવાની જવાબદારી રાજકીય માણસોની પણ હોય છે. હિન્દુસ્તાનમાં નેતાઓના અને રાજકીય પક્ષોના આ ચારિત્ર્યની અપેક્ષા રાખી શકાય તેમ નથી. ભારતમાં જનમતનો આદર કરવાની ઝાઝી માનસિકતા વર્તાતી નથી. જો બહુમત નથી મળ્યો તો સામાવાળાની સરકાર ગબડાવીને, સંખ્યાબળ તોડીને બહુમત પોતાના પક્ષમાં કરી લેવાની રાજરમત ભારતમાં સ્વાભાવિક ગણાય છે. જો પક્ષ કેન્દ્રની સત્તામાં હોય તો રાજ્યની સરકારો ગબડાવે છે. કેન્દ્રમાં બહુમત આઘોપાછો હોય તો પોતાની તરફેણમાં કરીને સત્તા મેળવવાના દાવપેંચ સતત ચાલતા રહે છે. કોઈ વિપક્ષ એવું નિવેદન નથી કરતો કે અમને વિપક્ષમાં બેસવાનો આદેશ મળ્યો છે, અમે પાંચ વર્ષ તેમ કરશું. આવું નિવેદન કરવા માટે અટલ બિહારી વાજપેયી જેવી હિંમત અને સ્વચ્છ રાજકીય પ્રતિભા હોવી જરૂરી છે.અઢારમી લોકસભાનો જનાદેશ કોઈ એક પક્ષને સંપૂર્ણ નથી. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પહેલા થયેલા રાજકીય ગઠબંધનને સંપૂર્ણ જનાદેશ છે. પાંચસો બેતાળીસ સભ્ય સંખ્યા વાળા ગૃહમાં એકને બાદ કરતા કોઈને ત્રણ અંકમાં સીટ નથી મળી. એક અંકમાં જેને સીટ મળી છે તેવા પક્ષના નેતાઓ સરકાર ગબડાવવાની અને બહુમત તેમની તરફેણમાં હોવાની વાત કરી શકે છે. સસ્તો ગાંજો ફૂંકતી નેતાઓની એક આખી કતાર હિન્દુસ્તાનમાં અસ્તિત્વમાં છે. એ જયારે સામે માઈક જુએ છે ત્યારે ગટરના ઢાંકણ જેવું મોઢું ખોલીને વાહિયાત તર્ક અને બફાટ કરે છે. જેનું રાજનીતિક ભવિષ્ય અને કાર્યક્ષેત્ર બે ફૂટ પહોળી અને અઢી ફૂટ ઊંડી નાલી જેવડું છે તે દેશ આખાનું ભવિષ્ય દાવ પર લગાડવા વારે વારે ઉભા થઇ જાય છે. આઝાદી બાદ ભારતની પ્રજાના શૈક્ષણિક, બૌદ્ધિક, સામાજિક સ્તરમાં ઘણી પ્રગતિ થઇ છે. નેતાઓના આવા કોઈ સ્તરમાં સુધારો થયો જણાતો નથી.