ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ ૧૦ના પરિણામમાં અમરેલીની એસ.એચ. ગજેરા સ્કૂલ વિદ્યાસભાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શાળાના અંગ્રેજી માધ્યમ વિભાગે ૧૦૦% પરિણામ નોંધાવીને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. આ વિભાગની વિદ્યાર્થિની દયુતી પરમારે ૯૯.૬૦ પર્સન્ટાઇલ રેન્ક (પીઆર) મેળવીને સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતી માધ્યમ વિભાગનું પરિણામ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ રહ્યું છે, જે ૯૯.૭૦% નોંધાયું છે. શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ અને ૬૦ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં સાતમા ક્રમે બે વિદ્યાર્થિનીઓ – ભૂત શિયા અને વાઢિયા આયુષી – રહી છે. શાળાના આ અસાધારણ પરિણામ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ તમામ ઉતીર્ણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. વિદ્યાસભા કેમ્પસના ડિરેક્ટર વસંતભાઈ પેથાણીએ જાહેરાત કરી છે કે ધોરણ ૧૦માં છ૧ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧માં ૧૦૦% ફી માફ કરવામાં આવશે. તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારની શૈક્ષણિક સહાય અને યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી અને કાર્યાલયમાં હેલ્પ ડેસ્ક શરૂ હોવાનું જણાવ્યું હતું. પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું શાળાના પ્રવેશદ્વાર પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ટ્રોફી, પ્રમાણપત્ર અને મીઠાઈ ખવડાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા પરિસરમાં ફટાકડા ફોડીને અને સંગીતના માહોલ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંગ્રેજી માધ્યમમાં પણ શાળાનો દબદબો
અંગ્રેજી માધ્યમમાં પણ શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલનો દબદબો જાવા મળ્યો છે. આ શાળાના વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં પણ સારો દેખાવ કર્યો છે.

ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો
અમરેલી વિદ્યાસભાનું ૯૯.૭૦% પરિણામ આવતા શાળા પરિવારે વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા છે. ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળાની બે વિદ્યાર્થિનીઓ ગુજરાતમાં ૭મા ક્રમે આવી છે. જયારે શાળામાં ૨૧ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ૬૦ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.