નડિયાદ ખાતે તાજેતરમાં ૨૯-૩૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ‘ખેલ મહાકુંભ U-૧૭ ભાઈઓની રાજ્ય કક્ષા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ’માં અમરેલી જિલ્લાના ખેલાડીઓએ મેદાન માર્યું છે. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્પોટ્‌ર્સ સ્કૂલ (DLSS) ના ખેલાડીઓએ રાજ્ય સ્તરે ઝળકીને કુલ ૪ પદકો મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં સાટીયા યસએ લોંગ જમ્પ અને ત્રિપલ જમ્પ એમ બંને ઇવેન્ટમાં સુવર્ણ પદક હાંસલ કરી બેવડી સફળતા મેળવી છે. જ્યારે ભુરીયા આકાશે ૮૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક અને ૪૦૦ મીટર દોડમાં રજત પદક જીતી પોતાની ક્ષમતા પુરવાર કરી છે. સંસ્થા દ્વારા ખેલાડીઓને અપાતા મજબૂત પ્લેટફોર્મ અને નિયમિત પ્રેક્ટિસને કારણે આ સફળતા મળી છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા અને હોદ્દેદારોએ વિજેતા ખેલાડીઓ તેમજ તેમના કોચ અને ટ્રેનર્સને અભિનંદન પાઠવ્યા છે.