એક સાત વર્ષની જુઈ નામની છોકરી હતી. જુઈ રોજ સાંજ પડે એટલે તેની ઘર પાસે રહેલાં બગીચામાં રમવા જાય. ત્યાં ઘણાં બધાં હિંચકાઓ હતાં. જુઈ એ હિંચકાઓની હરોળમાં સૌથી છેલ્લાં હિંચકા પર જ રોજ બેસે. એ તેનો પસંદીદા હિંચકો હતો. એ હિંચકા પર કોઈ બીજું હિંચકતું હોય તો ત્યાં ઊભીને રાહ જુએ અને ખાલી થાય પછી એમાં હિંચકે પણ કોઈ દિવસ બીજા હિંચકા પર ન બેસે.
આમ જ એક દિવસ તે એ હિંચકા પર કોઈ બેસેલું હશે તો તે પોતાનો ફેવરિટ હિંચકો ખાલી થવાની રાહ જોઈ રહી હતી. એવામાં તેની નજર ત્યાં સામે રહેલી જાળીઓમાં ગઈ. ત્યાં સરસ લીલુંછમ ઘાસ હતું. કોઈ જ કચરો કે ગંદકી ન હતી. પણ એ ઘાસની બરાબર વચ્ચે એક સફેદ કાગળ પડ્‌યો હતો. જુઈની આંખોને લીલાછમ ઘાસમાં રહેલો એ કાગળ ખૂંચ્યો, એટલે તે એ કાગળ લઇને ડસ્ટબીનમાં નાખવા ગઈ. પણ તેને એ કાગળ ઉપાડ્‌યો તેમા તો કોઈકનો ફોટો હતો. તેમાં સાત આઠ વર્ષનાં કોઈ છોકરાનું પિક્ચર હતું. તેને એ પિક્ચર બહુ જ ગમી ગયું એટલે તે ડસ્ટબીનમાં નાખવાને બદલે પોતાનાં ફ્રોકના પટામાં ભરાવી લીધું. ત્યાં તો હિંચકો ખાલી થઈ ગયો અને તે ત્યાં હિંચકવા ચાલી ગઈ. સાંજે ઘરે જઈને પોતાની ફેવરિટ વસ્તુઓના કલેકશનમાં એ ફોટો મૂકી દીધો.
ધીમે- ધીમે દિવસો પસાર થતાં ગયાં એમ જુઈ મોટી થતી ગઈ. અને જુઈ કોલેજમાં આવી ગઈ. જુઈ ભણવામાં સામાન્ય હતી. પાસીંગ માર્ક્સ કવર કરી લેતી પણ તેનું ધ્યાન ઈત્તર પ્રવૃતિઓમાં વધુ રહેતું. કોલેજમાં થતી સ્પર્ધાઓ જેવી કે નાટક, ડાન્સ કોમ્પિટિશન, રંગોળી હરીફાઈ આ બધામાં તે હંમેશને માટે પ્રથમ જ હોય. સ્ટેજ પર કંઈ બોલવું હોય તો તેને કોઈની શરમ ન નડે. વકતૃત્વ સ્પર્ધામાં કે એક પાત્ર અભિનય હોય એ બધું તો જુઈનાં ડાબા હાથની વાત.
એકવાર જુઈ એકપાત્ર અભિનય માટે બીજી કોઈ કોલેજમાં ગયેલી જ્યાં બહારથી કોઈ જજ આવ્યા હતાં. જજની ઉંમર પણ જુઈ જેવડી જ હતી. તેણે જુઈનું પરફોર્મન્સ અને જુઈ બંને ગમી ગયાં. તે જજે આ કોમ્પિટિશનમાં જુઈને પ્રથમ નંબર આપી દીધો અને સાથે સાથે પોતાની લાઈફમાં પણ પ્રથમ નંબરે રાખી દીધી. જુઈએ પણ એ બંને નંબરો સ્વીકાર્યા. જુઇની કોલેજ પુરી થઈ અને બંને યોગ્ય સમયે પરણી ગયાં.
એકવાર જુઈનો પતિ તેનાં કબાટમાં કંઈક શોધી રહ્યો હતો અને તેનાં હાથમાં જુઈનું ફેવરિટ વસ્તુઓનું કલેકશન કરેલું બોક્સ આવ્યું. તે તો એ બોક્સ ઇન્ટરેસ્ટિંગ લાગતાં જુઈની પરમિશન લીધા વગર જ ખોલીને જોવા લાગ્યો. એક પછી એક વસ્તુ જોતો ગયો. તેમાંથી જુઈનો પેલો પડી ગયેલો દુધીયો દાંત, મમ્મીની સાડીમાંથી ખરી ગયેલો સંતારો, જુઈની પહેલી પણ તૂટી ગયેલી ઢીંગલીના વાળ, છીપલાં, સુકાયેલાં ફૂલ એવી અજીબ અજીબ વસ્તુઓ નીકળી અને સૌથી છેલ્લે નીકળ્યો જુઈને વર્ષો પહેલા બગીચામાંથી મળેલો તે એક છોકરાનો ફોટો. તે તો તરત જ તે ફોટો લઈને જુઈ પાસે ગયો અને કહે કે,આ કોણ છે? આને તું ઓળખે છે? તને આ ફોટો ક્યાંથી મળ્યો? જુઈએ આખી વાત કરતા કહ્યું તે નાની હતી ત્યારે બગીચામાંથી મળેલો. હું તેને ઓળખતી તો નથી પણ મને ગમી ગયો એટલે મેં રાખ્યો હતો અને એ મારો પ્રથમ પ્રેમ હતો. તેનાં હસબન્ડે સામે હસીને કહ્યું કે મારો ફોટો છે. પણ હું સાત વર્ષનો હતો ત્યારે ક્યાંક ખોવાઇ ગયેલો.