ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં ૩૦થી વધુ સ્થળોએ આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં દરરોજ અવનવી થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ રાજકોટ શહેરના ચારેય ઝોનમાં આયોજિત મહોત્સવમાં ધીમી ધારે વરસતા વરસાદમાં પણ હજારો ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબે રમીને મા ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા. ખોડલધામ નવરાત્રિ મહોત્સવના વેસ્ટ ઝોનમાં આ વખતે દેશભક્તિની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. ખેલૈયાઓએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો પર ગરબે રમીને મા ખોડલની ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, ઈસ્ટ ઝોનમાં ખેલૈયાઓ લાઈટિંગ દાંડિયા સાથે ગરબે રમ્યા હતા, જ્યારે નોર્થ અને સાઉથ ઝોનમાં પણ હજારોની મેદનીમાં ગરબાની રમઝટ બોલી હતી. આસો સુદ-આઠમના પાવન દિવસે રાજકોટ શહેરના ચારેય ઝોનમાં આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મા ખોડલની વાજતે-ગાજતે પધરામણી કરવામાં આવી અને ખેલૈયાઓએ રાસ-ગરબાથી માતાજીની આરાધના કરી હતી.









































