શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા વર્ષોથી સર્વ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહ્યા છે. જેમાં યુપીએસસી, જીપીએસસી ઉપરાંત વર્ગ ૧, ૨ અને ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અનેક યુવાનો વિવિધ સરકારી વિભાગમાં પ્રતિષ્ઠિત જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવનારા તમામ તેજસ્વી યુવાનોના સ્નેહમિલન સમારોહનું આયોજન ૧૦ નવેમ્બર, રવિવારે શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સવારે ૧૦-૩૦ થી ૧૨-૩૦ સુધી શ્રી ખોડલધામ મંદિરે યોજાનાર તેજસ્વિતા સ્નેહમિલન સમારોહમાં સંસ્થામાંથી તાલીમ લઈને વિવિધ સરકારી વિભાગમાં હાલ ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશન દ્વારા વિવિધ ૫ પ્રકલ્પો શરૂ કરાશે. જેમાં ‘શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ન્યૂઝ લેટર’ નામના ત્રિમાસિક ન્યૂઝ લેટરનું વિમોચન કરાશે. સાથે જ ગાંધીનગર ખાતે ફાઉન્ડેશન દ્વારા શરૂ થનાર રીડિંગ રૂમનો પણ પ્રારંભ કરાશે.