રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમરેલી જિલ્લામાં ‘યંગ ટેલેન્ટ’ પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાલુકા કક્ષાએ ૩૦ મીટર, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ૧ થી ૮ ક્રમ મેળવનાર વિજેતા ખેલાડીઓ હવે જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ આપશે. અમરેલીના સરદાર પટેલ રમત સંકુલ (ચિતલ રોડ) ખાતે સવારે ૬.૩૦ કલાકેઆ ટેસ્ટ યોજાશે. જેમાં અંડર-૦૯ અને ૧૧ની બહેનો માટે ૧૦-૦૨-૨૦૨૬ તથા ભાઈઓ માટે ૧૧-૦૨-૨૦૨૬ની તારીખ નક્કી કરવામાં આવી છે. પસંદગી પામેલ ખેલાડીઓએ આધાર કાર્ડ અને સ્કૂલ આઈ.ડી. સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. જિલ્લા રમત વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ, આ ટેસ્ટ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે જિલ્લા કક્ષાની સ્પોટ્‌ર્સ સ્કૂલ યોજના હેઠળ પ્રતિભાઓની પસંદગી કરવામાં આવશે.