અમરેલી જિલ્લા સેવા સદન ખાતે “ખેલ મહાકુંભ – ૨૦૨૫” અને “સાંસદ ખેલ મહોત્સવ”ના આયોજન તથા આ સ્પર્ધાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ- રમતવીરો સહભાગી બને તે માટે સાંસદ ભરતભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે ઇચ્છુક સ્પર્ધકોએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અં-૯, અં-૧૧, અં-૧૪ તથા અં-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ જાણકારી અથવા રજિસ્ટ્રેશન સંબંધિત સમસ્યા માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરવાનો રહેશે. ‘ખેલ મહાકુંભ’ અને ‘સાંસદ ખેલ મહોત્સવ’માં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે સાંસદ ભરતભાઈ સુતરીયા અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બેઠકમાં બંને રમતોત્સવના સુચારું આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સંબંધિત અધિકારીઓને વિવિધ દિશાદર્શન, સૂચનાઓ આપી હતી. બેઠકમાં પ્રાંત અધિકારી મહેશ નાકીયા, જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત સંબંધિત સર્વ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.