‘ખેતીની જમીન’ લેખ શ્રેણીના પ્રથમ લેખમાં આપણે વિશ્વની કુલ જમીન અને તેમાંથી દર વર્ષે ઘટતી જતી ખેતીલાયક જમીનો અંગે આપણે જોઈ ગયા. આ મુદ્દે આપણા દેશની વાત કરીએ તો અહીં પણ પરિસ્થિતિ કંઈ વધારે સારી હોય તેમ લાગતું નથી. એક નેશનલ ન્યૂઝ એજન્સીએ કરેલ સર્વે અનુસાર દેશમાં દરરોજ અઢી હજાર ખેડૂતો વિવિધ કારણોસર ખેતી છોડીને રહ્યા છે. જેમાં મુખ્ય કારણોમાં ખેતીલાયક ન રહેતી અથવા તો તેમની વેચાઈ જતી કે વેચવી પડતી જમીન છે. આજે ગરીબ ખેડૂતો વધારે કંગાળ અને ભૂમિહીન બની રહ્યા છે.
પ્રાચીન કાળથી આપણે ત્યાં પૃથ્વીને દૈવીતત્વ ગણીને માતા કહેવામાં આવે છે, તેમજ ખેડૂતને જગતનો અન્નદાતા કહેવામાં આવે છે. સમાજશાસ્ત્રની પરિભાષામાં જણાવ્યા મુજબ એક-એક વ્યક્તિના જોડાવાથી બનતા સમૂહને સમાજ કહેવામાં આવે છે ત્યારે સમાજના એક જાગૃત હિસ્સા તરીકે આપણે સૌએ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે એવા ક્યાં કારણો છે કે જેને લીધે દુનિયાનો પાલક ગણાતો ખેડૂત પોતાની આરાધ્ય દેવી સમાન ધરતી માતાને છોડી દેવા કે વેચી દેવા તૈયાર થઇ જાય છે ?
વિશ્વમાં નિયમિત વરસાદની સાંકળ તુટવા લાગી છે. સમયસર વરસાદ ઘટતા નદીઓના બારમાસી વહેણ ધીમા થયા છે અથવા તો એમ કહો કે લગભગ બંધ થયા છે. તેમાંય નદીઓના આ અપૂરતા વહેણો પર ડેમ-પાળા બાંધવામાં આવે છે. આ બાંધેલું પાણી કેનાલો મારફત અન્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં આવતા નદીઓના પટ વરસ દરમિયાન મોટેભાગે સુકા ભટ્ઠ જોવા મળે છે. આજે નર્મદા બંધ સરદાર સરોવરના હેઠવાસના ગામોમાં નદીનો પ્રવાહ અટકતા ખેતીલાયક જમીન પર અસર જોવા મળી રહી છે.
આપણા દેશમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા તેમજ પંજાબની પાંચેય નદીઓ સહિતની અનેક નાની-મોટી નદીઓ હિમાલયનો બરફ પીગળવાથી વહે છે. છેલ્લા અનેક વર્ષોથી સતત વધી રહેલ ગરમીને કારણે તે બરફ ઝડપથી પીગળી રહ્યો છે. પર્વતોમાંથી ધસમસતા વેગે મેદાન વિસ્તારોમાં આવતી આ નદીઓ પોતાના પાણીની સાથે કેટલોય કાંપ તાણી લાવે છે. જેને કારણે વરસોવરસ નદીઓની ઊંડાઈ છીછરી અને કદ (વહેણ) સતત પહોળું થયા કરે છે. જેને કારણે ઉપરોક્ત નદીઓના કાંઠાળ વિસ્તારોમાં પૂરની સમસ્યા વધી રહી છે. આ પૂર તટીય પ્રદેશોના ખેતરોને ધોઈ નાખે છે. પરંતુ આવા અનેક કારણોસર નદીઓ સમુદ્ર સુધી પહોંચતી અટકી ગઈ.
હવે સામે તરફ નદીનો પ્રવાહ ઘટતા સમુદ્રના ખારા પાણી નદીના મુખ પ્રદેશોમાં ઘુસવા લાગ્યા છે. આમ ખૂબ અંદર સુધી ઘુસેલા દરિયાના ખારા પાણીએ કિનારા વિસ્તારની જમીનનો કેટલાય કિલોમીટરનો પટ્ટો ‘બંજર’ બનાવી દીધો છે. કુદરતે ગુજરાતને દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપ્યો છે. સમુદ્ર પરથી આવતા ખારા પવનોએ ઉપરથી અને તળમાં ઘુસેલા ખારા પાણીએ નીચેથી એમ બંને તરફથી જમીનો ખલાસ કરી નાખી છે. રાજ્યની દરિયાપટ્ટી પર આવેલ ખેતરોમાં હવે ફક્ત ક્ષાર જ ઉગે છે તેમ કહીએ તો ખોટું નથી. બીજી તરફ વૃક્ષોની કમી અને આડેધડ કાપણીથી ગુજરાત-રાજસ્થાનનું રણ પોતાનો વિસ્તાર વધારતું જઈ રહ્યું છે.
ખેતીલાયક જમીનો ઘટવાના બીજા પણ કુદરતી કારણો પણ છે. જેમકે ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણી જગ્યાએ આખી સિઝનના એકસાથે પડી જતા વરસાદમાં ખેતરોનું ઉપલું ખેતીલાયક માટીનું પડ ધોવાય જાય છે. હજુ બે વર્ષ પહેલા અમરેલી-બગસરા વિસ્તારમાં પડેલ અતિવૃષ્ટિએ કેટલાય ખેતરોને માટીવિહોણા કરી દીધા છે. ખેતીલાયક જમીનોને વાંઝણી બનાવતા અનેક કુદરતી કારણો ખેડૂતોને જમીન છોડવા પર મજબૂર કરે છે. ખેતીની ઘટતી જમીન મુદ્દે માણસે ઉભા કરેલ કારણો વિષે આગામી લેખમાં ચર્ચા કરીશું.