ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિસ્તૃત કારોબારી તથા નવા વર્ષના સ્નેહમિલન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જી.પી.સી.સી.ના પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ કૃષિ કાયદા પરત ખેંચાયા એ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આજે ખેતી અને ખેડૂત વિરોધી ત્રણેય કાળા કાયદાઓનું બાળમરણ થયું તેનો અત્યંત આનંદ છે. તેમણે આ વાત ટિવટ પણ કરી છે. વધુમાં તેમણે લખ્યું છે કે, નવી ઇસ્ટ ઈન્ડિયા કંપનીઓ દ્વારા કૃષિ ઉપજને પાણીના ભાવે પડાવી લેવાના ષડયંત્ર સમાન કેન્દ્રીય કાળા કાયદાઓને રોકવામાં મળેલી ભવ્ય સફળતા બદલ કોંગ્રેસ તથા ખેડૂતોને અભિનંદન.