રાજયના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, કિસાનોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રીએ ઉમેર્યું કે, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રે
રોટેશન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર ૮ કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતિમાં પ્રતિ દિન સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ ૭૫% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાજ્યના આશરે ૨૦.૧૦ લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે ૧૬.૦૧ લાખ ગ્રાહકોને દિવસ દરમ્યાન (એટલે કે સવારે ૫ કલાક થી રાત્રે ૯ કલાક સુધી) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવો જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ ૮ કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.
હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વીજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયા હાટીના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવા અમલવારી કરવાની સૂચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.