વાડી ખેતરના રસ્તાના ચીલા સરખા કરતી વખતે એક વ્યક્તિનું ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ટ્રેક્ટર અચાનક ઊંધું વળી જતાં આ દુર્ઘટના ઘટી હતી. આ અંગે યાશીનભાઇ કમાલદીનભાઇ નહર (ઉ.વ. ૩૮) એ જાહેર કર્યા મુજબ, ટ્રેક્ટરના ચાલક કમાલદીનભાઇ જમાલભાઇ નહર (ઉ.વ. ૬૧, રહે. મોરઝર ગામ, ધારી રોડ, ૬૬ કે.વી. સબસ્ટેશન સામે) પોતાની વાડીએ જવાના રસ્તે ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. રસ્તામાં પથ્થર અને ચીલા સરખા કરતી વખતે ટ્રેક્ટર પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર અચાનક પલટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટર નીચે દબાઈ જતાં તેમને ચહેરા અને છાતીના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. એલ. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.









































