રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો. સવારથી બપોર સુધી ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે સાંજના સમયે સેલવાસ, ટોકરખાડા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના ૬ એ ૬ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં છોટાઉદેપુર, કવાંટ, સંખેડા, બોડેલી, પાવીજેતપુર, નસવાડીમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદની શરૂઆત થતાં અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. કેમ કે છેલ્લા ત્રણ દિવસથી લોકો અસહ્ય ઉકળાટ સહન કરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના ખાંભા ગીરના ગામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્્યું છે. લાંબા સમયથી ઉકળાટ અને અસહ્ય ગરમીનો અનુભવ કરી રહેલા આ વિસ્તારના લોકો માટે વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખાંભા અને તેની આસપાસના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદનું આગમન થતાં સમગ્ર વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે અને ખુશીની લહેર દોડી ગઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. ખાંભાના લાસા, ધાવડીયા, ભાણિયા સહિતના ગામોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી મુજબ દાહોદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. લીમડી, ઝાલોદ, દાહોદ સહિત અનેક ગામોમાં ભારે વરસાદનો માહોલ જાવા મળ્યો છે. ભારે પવન સાથે વરસાદના આગમનથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ચોમાસા આડે હવે ૪૮ કલાકથી પણ ઓછો સમય છે. ચોમાસું ૨ દિવસમાં ગુજરાત પહોંચી શકે છે. જ્યારે કેટલાક જિલ્લામાં ૧૯ જૂન સુધી આગાહી છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે ૧૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે ૧૧ જિલ્લામાં ભારે, ૪ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ છે. ૧૬ જૂને ૧૦ જિલ્લામાં ભારે, ૬ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.