અમ વિતી – તમ વિતશે, ઘણાય પડશે ઘા…
હિન્દુસ્તાન ખેતીપ્રધાન દેશ છે. ગામડાઓના સમૂહના બનેલા વિભિન્ન ભાષાઓ, પ્રાંતના સમૂહને એક તાંતણે બાંધીને અંખડ ભારતના નિર્માણમાં પોતાનું રાજય આપનાર પ્રજાવત્સલ અને ખેડૂતપ્રિય રાજવી નામદાર કુષ્ણ કુમારસિંહજી અને અંખડ ભારતના નિર્માણમાં કઠોર નિર્ણયો કરી એક ભારતના નિમાર્ણમાં જેનું યોગદાન છે તેવા ખેડૂત નેતા સરદાર વલ્લભભાઈ પટેલને કયારેય ભૂલવા ના જાઈએ. ખેતી એ આજીવિકા અને જીવન નિર્વાહ પધ્ધતિનો પાયો છે. આદિ-અનાદિ કાળથી કાળમીંઢ પાણાઓને હળની કોશથી ફાડીને વેરાન વગડા જેવી જમીનોને ઉપજાવ બનાવવાનો શ્રેય ગૌવંશના બળદને જાય છે. એક બાજુ ગાય અને ગૌવંશનાં રક્ષણની વાતો થાય છે. લોકો ગૌવંશ પ્રત્યેનો ભાવ છલકતો દેખાડે છે. બીજી તરફ આજે ગાયો રખડતી જોવા મળે છે. ગાયને આપણે માતા કહીએ છીએ. જા માતા જ રખડતી હોય કે ગૌશાળામાં હોય અને આજની પેઢીના માવતરો વૃધ્ધાશ્રમ તરફ જઈ રહ્યા છે! બન્ને માટે ઘટનાઓ સમાન છે. પણ જાગે કોણ ? ભાષણો થાય, ઉપદેશો અપાય, બોલવાવાળાને મજા અને સાંભળવાવાળાઓ તાલીઓ પાડીને સંતોષ માને બન્ને સરખા. આવ ભાઈ હરખા આપણે બન્ને સરખા. બળદ એ ખેડૂતોનો સાચો મિત્ર કરતા ભાઈ છે. કારણ કે ખેડૂતો ભૂતકાળમાં ખેતીમાં માત્ર બળદોનો જ ઉપયોગ કરતા હતા. બળદ એ માત્ર એક પશુ નથી તે ખેડૂતોની મહેનતનું પ્રતિક છે. ખેડૂતોના પરિવારો અભિન્ન હિસ્સો કે અંગ રહ્યો છે. આજના આધુનિક યુગમાં જયારે યાંત્રિક ખેતીના સાધનો વધી ગયા છે ત્યારે ખેતીમાં બળદોનું કામ યંત્રોએ લીધુ છે. વડિલો પાસેથી વાતો સાંભળી છે કે વહેલા પરોઢીયે હળ જોડી દેવામાં આવે અને જમીનનાં કાળમીંઢ ઢેફાઓ ખેડીને કાઢી જમીનને ઉપજાવ બનાવવામાં ભાઈઓના સહકાર કરતા પરિશ્રમની પરાકાષ્ટાએ પહોંચીને ખેતીને જીવંત કરવાનો શ્રેય બળદોને જાય છે. જયારે વીજળી ન હતી ત્યારે કૂવામાંથી કોહ ચલાવી પિયત આપવાનું કામ થતું, ત્યાંથી લઈ છેલ્લા દશકા સુધી બળદો ખેતીમાં અભિન્ન અંગ રહ્યા છે. એક બળદની જાડી ૧૦ થી ૧પ વર્ષ ચાલે. કાંકરેજ વઢીયારા બળદ અને ગીર બળદોમાં ખૂબ સામ્યતા છે. લગ્ન પ્રસંગની જાનથી લઈને ગમે તેવી ખેતી કે સાંતી કે ગમે એટલો વજન ગાડીમાં ભર્યો હોય ગાય માતાના સંતાનો બળદોએ કયારેય પાછીપાની કરી નથી. યાંત્રિકીકરણ થતા ખેતીમાં ખર્ચાઓ વધ્યા છે. પ્રદૂષણ વધ્યુ છે. સેન્દ્રીય ખાતરોની ઉણપ વર્તાય છે. છતાં પોતાના ભાઈ સમા વહાલસોયા બળદોને તરછોડી ખેડૂતો આગળ વધી રહ્યા છે.
“આખુ જીવન ખેડૂતો માટે ખેતરમાં હળ ખેચ્યા, બળબળતી બપોરે કે કડકડતી ઠંડીમાં કયારેય પોરો નથી ખાધો, અરે આંખમાંથી આંસુ ટપકે તો પણ આળસ નથી કરી, ખેડથી લઈને વાવણી અને અનાજના ગાડા ખેંચીને ઘેર લાવ્યા છીએ. હા ગોળની ગાંગડી અને કંકુ-ચોખાના ચાંદલા કપાળે કરીને ભલે તમે માન આપ્યા, હે ખેડૂત તારા ખેતરના ખૂણે ખૂણે મેં કામ કર્યુ છે. મારા જોડીદાર સાથે ખેતીમાં જન્મ્યો પણ હવે હું રખડું છું. હું બળદ છું.
અરે સાંભળ ખેડૂત કદાચ તું અમને છુટા મૂકી દઈશ તો અમે અહિં – તહિ, ગલ્લી-મહોલ્લામાં રખડી-ભટકીને કોઈનો માર ખાઈને પણ જીવન પૂરૂ કરી લઈશું. અમે તો તારી મહેનત અને પરિશ્રમના ભાગીદારો હતા. કદાચ અમે અબોલ અને પશુ છીએ એટલે તારી સંપત્તિ-જમીન, માલ-મિલકતમાંથી ભાગ નહિ પડાવીએ પણ પેઢી દર પેઢી તારી સાથે મહેનત કરી આજે તે જાહોજલાલી ઉભી કરી છે એમાં તારા સંતાનો ભાગ માગશે, કજીયા કરશે અને તને તરછોડી વૃધ્ધાશ્રમમાં કે રખડતો મુકશે. એ ઘટના મારાથી નહિ જોવાય. કારણ કે તારો હાથ અને સુખમાં સાથ રહ્યો છે. પણ સમયની બલિહારી છે. તારા માટેય વૃધ્ધાશ્રમો બને છે અને મારા માટેય હવે વૃધ્ધાશ્રમો બનતા થઈ ગયા છે. આપણને અલગ ભોગવાદી, યાંત્રિકીકરણે કર્યા છે.”
તિખારો: ઘણી વખત ખોટા માણસથી સંગતના હિસાબે ખૂબ નુકસાન સહન કરવું પડતું હોય છે. છતાં મંજીલ સુધી આગળ વધતા રહો. યુ-ટર્ન આવે ત્યાંથી ખોટા માણસોને છોડીને આગળ નીકળી જાવ, વિશ્વાસ રાખો પ્રગતિ થશે.