૨૦૨૦-૨૧ના ખેડૂત વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કંગનાએ મહિલા ખેડૂત મહિન્દર કૌર પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના પર મહિન્દર કૌરે કંગના વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. કંગનાએ આ ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાં તેને રાહત મળી ન હતી અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આ પછી કંગનાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. કંગનાની માનહાનિની ફરિયાદ રદ કરવા સંબંધિત મામલાની સુનાવણી આવતીકાલે ૧૨ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થશે.સુપ્રીમ કોર્ટ આવતીકાલે શુક્રવારે ૧૨ સપ્ટેમ્બરે અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની અરજી પર સુનાવણી કરશે, જેમાં ૨૦૨૦-૨૧ના ખેડૂત વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ હાઈકોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ કેસ રદ કરવાના ઇનકારને પડકારવામાં આવ્યો હતો. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે.અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતે ૨૦૨૦-૨૧માં રદ કરાયેલા કૃષિ કાયદાઓ સામેના ખેડૂતોના વિરોધ દરમિયાન એક મહિલા પ્રદર્શનકારી વિશે કથિત અપમાનજનક ટિપ્પણીઓ ધરાવતી રિટ્‌વીટ બાદ પોતાની સામે માનહાનિનો કેસ પડકાર્યો હતો. આ  ફરિયાદ ૨૦૨૧માં પંજાબના ભટિંડા જિલ્લાના બહાદુરગઢ જંડિયા ગામની રહેવાસી મહિન્દર કૌર (૭૩) દ્વારા દાખલ કરવામાં આવી હતી. ભટિંડા કોર્ટમાં દાખલ કરાયેલી પોતાની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ રિટ્‌વીટમાં તેના વિરુદ્ધ ખોટા આરોપો અને ટિપ્પણીઓ કરી હતી અને કહ્યું હતું કે તે ‘દાદી’ છે, બિલકિસ બાનો, જે શાહીન બાગ વિરોધ પ્રદર્શનનો ભાગ હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ૧ ઓગસ્ટના રોજ કંગના રનૌતની અરજીને ફગાવી દેતા, તેના આદેશમાં કહ્યું હતું કે, ‘અરજદાર, જે એક સેલિબ્રિટી છે, તેના વિરુદ્ધ ચોક્કસ આરોપો છે કે રિટ્‌વીટમાં તેના દ્વારા લગાવવામાં આવેલા ખોટા અને બદનક્ષીભર્યા આરોપોએ પ્રતિવાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને તેની પોતાની નજરમાં તેમજ અન્ય લોકોની નજરમાં તેની છબી નબળી પાડી છે.’ તેથી, પોતાના અધિકારોના રક્ષણ માટે ફરિયાદ નોંધાવવી એ દુર્ભાવનાપૂર્ણ ન કહી શકાય. આ વિવાદ એક વિશે છે, જે કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન પોસ્ટ કર્યું હતું. એક ટ્વિવટ ને રીટ્‌વીટ કરતા તેણે લખ્યું કે ‘હા હા હા આ એ જ દાદી છે જે ટાઈમ મેગેઝિનમાં સૌથી પ્રભાવશાળી ભારતીય તરીકે આવી હતી… અને તે ૧૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે.