રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં ખેડૂત સ્માર્ટફોનની ખરીદી કરશે તો તેમને રૂ. ૧પ૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર આપશે, તેવી જાહેરાત કરાઇ છે. આ યોજનામાં ખેડૂતોને પંદર હજાર રૂપિયા સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. મોબાઇલની કિંમતની ૧૦% રકમ અથવા રૂ. ૧પ૦૦, આ બંનેમાંથી જે ઓછું હશે તેટલી સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના ખેડૂતો સ્માર્ટફોન વડે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તેવા હેતુસર આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીનધારક તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વખત સહાય મળવાપાત્ર થશે. જ્યારે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અમાં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.