ખાંભાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને તાલુકામાં ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી તેમને સહાય ચુકવવાની માગણી કરતો પત્ર લખવામાં આવ્યો છે. આ અંગે સમિતિના ચેરમેન વિનુભાઇ રૈયાણીએ પત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર ખાંભા તાલુકો ખેતી આધારીત છે અને સમગ્ર તાલુકામાં અતિભારે વરસાદને કારણે ખરીફ પાકોને પારાવાર નુકસાન થયું છે. ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. આથી ખેતીવાડી ખાતા દ્વારા નુકસાનગ્રસ્ત સમગ્ર ખાંભા તાલુકામાં વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાન સામે મોટું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગણી છે.







































