રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. ત્યારે ખેડૂતોને ઉપયોગી થાય તે હેતુ માટે ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કિટ આપવાની યોજનાની ઓગસ્ટ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લેવા માટે પંદર દિવસમાં અમરેલી જિલ્લામાં ૧,૦૩,૦૦૦ ખેડૂતોએે ઓનલાઈન અરજી કરી હતી, પરંતુ ચાર મહિના બાદ પણ ખેડૂતોને યોજના અંતર્ગત ડ્રમ અને ટોકર હજુ સુધી મળ્યા નથી. ખેડૂતો માટેની આ યોજનામાં રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગના હેતુ માટે ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબની કિટ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવા માટે ચાર મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર છે.ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારની જાહેરાત બાદ અમરેલી જિલ્લાના ૧.૦૩ લાખ ખેડૂતોએ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. આ અરજી કરવાનો સમય ૧૫ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીનો એટલે કે માત્ર પંદર દિવસ હતો તેમ છતાં અમરેલી જિલ્લાના ૧ લાખ કરતા વધારે ખેડૂતોએ અરજી કરી હતી.

યોજના ગુજરાત એગ્રો મારફત કરાઈ
જાણવા મળતી માહિતી મુજબ આ આખી યોજના હવે ગુજરાત એગ્રો મારફત કરવામાં આવનાર છે. જા કે હજુ રાજય સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવ્યુ નથી અને લક્ષ્યાંક પણ નક્કિ કરવામાં આવ્યો નથી. આ તમામ કામગીરી પૂર્ણ થાય પછી ખેડૂતોને આ યોજના અંતગર્ત પ્લાસ્ટીકના ડ્રમ અને ટબ મળવાપાત્ર બનશે. જા કે ચાર મહિના બાદ હજુ પણ આ યોજનામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી અરજી કરનાર ખેડૂતો આ સહાયથી વંચિત રહી જવા પામ્યા છે.