સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર લખીને જંગલી પ્રાણીઓના વધતા ત્રાસ સામે ખેડૂતોને પાકના રક્ષણ માટે સરળતાથી અને તાત્કાલિક ‘મચાણ’ (મેડા) ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ, અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માનવભક્ષી સિંહો અને દીપડાઓના હુમલા વધ્યા છે. તાજેતરમાં સાવરકુંડલા, રાજુલા અને કુંકાવાવમાં બનેલી જનહાનિની દુઃખદ ઘટનાઓને લીધે ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામજનોમાં ભારે ભય તેમજ અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. ખેડૂતોએ રાત્રિના સમયે પાકના રક્ષણ માટે ખેતરમાં રહેવું પડતું હોય છે, જેથી તેમની સુરક્ષા અત્યંત જરૂરી છે. આથી, અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સરળ પ્રક્રિયા દ્વારા તાત્કાલિક સુરક્ષિત મચાણ, જરૂરી માર્ગદર્શિકા અને સહાય પૂરી પાડી, તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા ધારાસભ્યએ ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.






































