દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં ખેડૂતો અને ખેતીનાં વિકાસ માટે અનેક પગલાઓ ભર્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ખેતીમાં વપરાતા ઈનપુટ એ આધુનિક કક્ષાનાં મળતા થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ખેતી ક્ષેત્રે ખેડૂતો સાથે મળીને વાવેતરથી વેચાણ સુધીની તમામ સફરો સાથે મળીને કરે એટલા માટે ફાર્મર પ્રોડ્યુસર કંપની(એફ.પી.ઓ.) બનાવવાની પહેલ દેશમાં શરૂ થઈ છે. પ્રગતિશીલ ખેડૂતો અને આધુનિક જ્ઞાન ધરાવતા ખેતીમાં કંઈક કરી છુટવાની તમન્ના ધરાવતા ખેડૂતો આ ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓની રચનાથી દુર રહ્યા પરિણામે કેટલાક કહેવાતા ખેડૂતો આ એફ.પી.ઓ.ની રચનામાં આવી ગયા અને ભારત સરકાર તરફથી મળતી એફ.પી.ઓ.ના સંચાલન માટેની ગ્રાન્ટો ચાંવ કરી ગયા. આ બધા વચ્ચે પણ ખેડૂતોનાં હિતનું વિચાર કરતા ખેડૂતોનાં એફ.પી.ઓ. સફળતા સાથે ચાલી રહ્યા છે. જે ખારા પાણીમાં મીઠી વિરડી સમાન છે. આવા એફ.પી.ઓ.ને પ્રમોટ કરવા કે પ્રમોશન કરવામાં સરકારી તંત્રને જરાપણ રસ નહી હોય કારણ કે અહીં ભાગ બટાઈનો વ્યવસાય ચાલતો નથી એટલે કટકી નહી મળે. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાના ખેડૂતોએ સાથે મળીને સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી.(એફ.પી.ઓ.)ની સ્થાપના ર૦૧૩નાં વર્ષમાં કરી હતી. આ કંપનીના પ્રમોટર તરીખે અંબુજા ફાઉન્ડેશન તરફથી માહિતી, માર્ગદર્શન આપવામાં આવ્યું, આધુનિક ખેતી વિશે સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું. આજે આ સોમનાથ ફાર્મર પ્રોડયુસર કંપની લી.(એફ.પી.ઓ.) સાથે ર૦૦૦ શેર હોલ્ડર ખેડૂતો જાડાયેલા છે. જે સંગઠીત થઈ સંસ્થા પ્રત્યે સફળતાનો વિશ્વાસ બતાવે છે. આ સંસ્થાનાં ચેરમેન તરીકે બાલુભાઈ પરમાર ગામ.રાખજ તા.સુત્રાપાડા સેવાઓ આપે છે. આ સંસ્થાની મહત્વની વાત એ છે કે તમામ પ્રક્રિયા ૧૧ લોકોનું જે બોર્ડ છે તે સર્વાનુમતે નિર્ણય લે છે. અહીં ખાનગીમાં કે ખિસ્સા ભરવા માટે કોઈ નિર્ણય થતા નથી. આજે ખેતી ભાંગી, ગામડાઓ ભાંગ્યા તેની પાછળ કોઈ જવાબદાર હોય તો તે ખેડૂતો પોતે છે. કારણ કે ખેડૂતોનાં નામે ચાલતી સંસ્થાઓમાં શું થાય છે તેનો હિસાબ માંગવાની ફુરસદ રહી નથી. સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની એ ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર, દવા, બિયારણ, ખેતીનાં ઈનપુટ મળી રહે તે માટે કોડીનાર ખાતે આઉટલેટ ચલાવે છે. જયારે ખેડૂતો અને પશુપાલકોને ઉચ્ચ ગુણવત્તાવાળુ એનિમલ કેટલ ફિડ વ્યાજબી ભાવે મળી રહે તે માટે એનિમલ ફિડ પ્લાન્ટ પણ ઉભો કરીને વેચાણ કરે છે. આજે ખેડૂતો પોતાના ખેતરના કપાસની સાંઠી, મગફળીની ફોતરી, સુકાયેલા વૃક્ષો, સુકાયેલી નાળીયેરી જેવા વેસ્ટ કચરાનું ખેડૂતો પાસેથી વેચાણ ભાવથી કલેકશન કરી કંપનીઓમાં બાયો ફયુલ તરીખે સપ્લાય કરે છે અને આવક મેળવે છે. સૌથી મોટી અને સારી બાબત એ છે કે, સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જાડાયેલા ખેડૂતો માટે વિજેલ એન્ટરપ્રિન્યોર પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો વેલ્યુએડિશન કરતા બને અને ખેતીમાં આત્મનિર્ભર રોજગારીમાં બને તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, ખેડૂતો કોઠીંબામાંથી કાચરી, સરગવાનો પાવડર, મધ, કેરીનો રસ જેવી પ્રોડક્ટસ જાતે બનાવે છે. અને તેને માર્કેટીંગ સપોર્ટ સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી. આપે છે. જેનાથી ખેડૂતોનાં માલના વેચાણમાં પ્રોત્સાહન મળે છે અને સારી આવક મેળવી શકે છે. છેલ્લા નાણાકિય વર્ષનું ખેડૂતોની આ કંપનીનું ટર્નઓવર રૂ. ૧૬ કરોડ હતું. વાર્ષિક સાધારણ સભામાં એક-એક પાઈનો હિસાબ આપવામાં આવે છે. જે સભાસદોમાં વિશ્વાસ જાળવી રાખે છે. આગામી સમયમાં આ કંપની અનેક ખેતીલક્ષી કાર્યક્રમો હાથ ધરશે. કિરીટભાઈ જસાણી અંબુજા ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. એફ.પી.ઓ.નાં વિષયમાં કિરીટભાઈ જસાણીનું માર્ગદર્શન ઉપયોગી છે. સંપર્ક નં.૯૮૭૯પ ૬૧૮ર૯.
તિખારો
તન અને મનની શુદ્ધિ માટે લોકો ઉપવાસ રાખે છે. આજે એક કલાકથી લઈ આખો દિવસ મોબાઈલના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રહેવા અપીલો થઈ રહી છે. વિચાર કરો એ પારિવારીક જીવનમાં કેટલું નુકસાન કરતુ હશે.