રાસાયણિક ખાતર ડીએપીની સાથે અન્ય ખાતર ન આપવા બાબતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. સાથે જ ખેડૂતોને પડતી અગવડતા માટે સેમિનાર યોજીને કૃષિલક્ષી ફાયદાઓ સમજાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું છે કે, આગામી ચોમાસાની સિઝન દરમ્યાન ખેડૂતો દ્વારા ડી.એ.પી. ખાતરની ખુબ જ મોટા પ્રમાણમાં માંગ રહે છે તેથી હાલમાં ખેડૂતો દ્વારા ખરીદ કરવામાં આવતા ડી.એ.પી. ખાતરની સાથો-સાથ અન્ય રાસાયણિક ખાતર ફરજિયાત લેવાનું જણાવવામાં આવે છે જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે તેથી જયારે ડી.એ.પી. ખાતર ખરીદ કરે તેની સાથે અન્ય ખાતર ન આપવાની ધારાસભ્યએ રજૂઆત કરી છે.
નેનો યુરીયાનો વધુ ઉપયોગ થાય તે માટે સેમિનાર યોજો
ખાતર કંપની દ્વારા માર્કેટમાં મુકવામાં આવેલ ખાતરનાં ઉપયોગ અને ફાયદાથી ખેડૂતો અજાણ હોવાના કારણે ખરીદતા નથી તેથી આ નેનો ડી.એ.પી, નેનો યુરીયાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે કૃષિ તજજ્ઞો અને કંપની નિષ્ણાંતો દ્વારા ખેડૂતોની વચ્ચે જઇ આ ખાતરથી થતા લાભ અંગે સેમિનાર યોજી માર્ગદર્શન આપવું જોઈએ તેથી, ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય અને આર્થિક લાભ મળે તેવા પ્રયત્નો કરવાની માંગ ધારાસભ્યએ પત્રમાં કરી છે.