રાજ્યના વિકાસ કામોમાં જમીન ગુમાવનારા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયને ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ આવકાર્યો છે. ઘણા ખેડૂતોના વિકાસ કામો માટે જમીન સંપાદન થયા બાદ તેમની પાસે ખેડૂત પ્રમાણપત્ર ન હોવાથી તેઓ ખેડૂત તરીકે ઓળખાતા ન હતા. આ સમસ્યાનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે કે, આવા ખેડૂતો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે. આ નિર્ણય મુજબ, જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોય અને જેમની પાસે ખેડૂત પ્રમાણપત્ર ન હોય તેઓ હવે કલેક્ટર કચેરીમાં અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે. આ પ્રમાણપત્ર મળ્યા બાદ તેઓ ત્રણ વર્ષમાં નવી જમીન ખરીદી શકશે. આ ઉપરાંત, જે ખેડૂતોની પાસે એક જ સર્વે નંબરની જમીન બાકી હોય અને તેને બિનખેતી કરી દેવામાં આવી હોય તેવા ખેડૂતો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે. આ નિર્ણયથી અનેક ખેડૂતોને રાહત મળશે અને તેઓ ખેતીની જમીન ખરીદી શકશે. કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રીના આ પ્રજાહિતના નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી હજારો ખેડૂતોને ફાયદો થશે.