કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોરચાના સભ્યોની સર્વસંમતિથી મંજૂરી મળ્યા બાદ મોર્ચાએ ગુરુવારે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આંદોલન સ્થગિત કર્યા પછી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એક ટ્‌વીટમાં કહ્યું કે એક વર્ષ અને ૧૩ દિવસ સુધી ચાલેલું ખેડૂતોનું આંદોલન સમસ્યાઓના ઉકેલની પરાકાષ્ઠા હતી. કિસાન એકતા દ્વારા મળેલી આ સફળતા ૭૦૯ શહીદોને સમર્પિત છે.
ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવા અને પડતર માંગણીઓ અંગે કેન્દ્ર સરકારની દરખાસ્ત બાદ હવે યુનાઈટેડ કિસાન મોરચાએ ખેડૂતોનું આંદોલન સ્થગિત કરી દીધું છે. કિસાન મોરચાએ સ્પષ્ટ કર્યું કે આંદોલન ખતમ થવાનું નથી, તે માત્ર મોકૂફ રાખવામાં આવ્યું છે. ખેડૂત નેતા બલવીર રાજેવાલે કહ્યું કે, અમે અહંકારી સરકારને ઝૂકાવીને મોટી જીત સાથે જઈ રહ્યા છીએ. આ આંદોલન હજી પૂરું થયું નથી, તેને હવે મુલતવી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ૧૫ જોન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાની બીજી બેઠક મળશે, જેમાં સમીક્ષા કરવામાં આવશે. જો સરકાર આઘીપાછી થશે તો ફરી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લઈ શકાય છે.
આંદોલન સ્થગિત કરવાના નિર્ણય બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે, મોરચો હતો અને રહેશે. સંયુક્ત મોર્ચો અહીંથી જઈ રહ્યોં છે. ૧૧ ડિસેમ્બરથી બોર્ડર ક્લિયરિંગ શરૂ થશે. આજથી વિરોધ સ્થળને ખાલી કરવા
માટે પેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકૈતે કહ્યું હતું કે અમે શહીદ થયેલા અમારા ખેડૂતો અને જવાનોની સાથે છીએ અને ૧૧ ડિસેમ્બરે અમે આ જીત સાથે અમારા ગામોમાં પરત ફરીશું.