મુંબઇની શાકભાજી બજોરોમાં ભલે ૪૦થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાંદા વેંચાઇ રહ્યા હોય પરંતુ ખેડૂતોને તેની કેટલી ઓછી કિંમત મળી રહી છે તેનો અંદાજે સોલાપુરના એક ખેડૂતને ૧૧૨૩ કિલો કાંદા વેંચીને મળેલા ભાવ પરથી આવશે. આટલા કિલો કાંદા વેંચ્યા પછી પણ ખેડૂતના હાથમાં માત્ર ૧૨ રૂપિયા જ આવ્યા.
કમીશન એજન્ટે દાવો કર્યો છે કે પાકની ગુણવત્તાનો દરજ્જા નીચો હોવાને કાંદાને ઓછી કિંમત મળી છે. સોલાપુર સ્થિત કમિશન એજન્ટે મીડિયાને આપેલી વેંચાણ રસીદ મુજબ, બાપુ કાવડે નામના ખેડૂતે ૧,૧૨૩ કિલો કાંદા વેંચ્યા હતા. જેના માટે તેને ૧૬૬૫.૫૦ રૂપિયા મળ્યા હતા, પરંતુ ૧૬૫૧.૯૮ રૂપિયા મજૂરી ખર્ચ, શુલ્ક અને પરિવહન પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ રીતે ખેડૂતના હાથમાં માત્ર ૧૩ રૂપિયા બચ્યા હતા.
સ્વાભિમાની ખેડૂત સંગઠનના નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ રાજૂ શેટ્ટીએ કાવડેની રસીદને ટ્વીટ કરતા લખ્યું હતું કે, માત્ર ૧૩ રૂપિયા કમાણીમાંથી શું વળે? આ અસ્વીકાર્ય છે. ખેડૂત ખેતરમાંથી કાંદાના ૨૪ કોથળા કમિશન એજન્ટની દુકાને લઇ ગયો અને તેને વેંચીને તેમાંથી ૧૩ રૂપિયા કમાયા. છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદને કારણે ડુંગળી ભીની હતી અને બગડી ગઇ હતી. તેથી જ આટલી ઓછી કિમત મળી છે.