દીકરી ત્રણ કુળ તારે એ કહેવત આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સાર્થક થઈ છે. વ્યક્તિની ઓળખ તેના કામ વ્યવહારથી બનતી હોય છે. માત્ર ખુશામતખોરી કરી પોતાના નામે જાહેરાતો કરાવીને તેનો આનંદ ક્ષણિક હોય છે પરંતુ વાસ્તવિક મહેનત અને સાચા અર્થમાં લોકઉપયોગી કાર્યોથી બનતી ઓળખ એ વર્ષો સુધી ટકી રહેતી હોય છે. ‘કીર્તિ ભલા કોટડા એ તો પાડ્‌યા ન પડન્ત’ ગુજરાતની ધરા ઉપર એવા કેટ કેટલાય હિરલાઓ સામાજિક ક્ષેત્રે કાર્યો કરી રહ્યા છે જેને ન નામ, એવોર્ડ કે ન હોદ્દાનો મોહ છે બસ જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે કામ કરે છે. જન જનના સેવાના માધ્યમથી આશીર્વાદ તો મેળવે જ છે ઉપરાંત સામાજિક ક્ષેત્રે માન ભર્યું સ્થાન પણ જનતાના દિલમાં મેળવે છે. આવા સામાજિક વીરલાઓ ગુજરાતની સેવાની સુવાસમાં માઇલ સ્ટોન છે. ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર કાયમી પાણીથી તંગી ભોગવતો પ્રદેશ. ઉનાળે બહેનો દીકરીઓ કાળા તડકામાં ગાઉં બે ગાઉં પાણીના બેડા ભરવા અહીં તંહી ભટકવું પડે. ગાગર, હાંડો અને ગોળી જેવા પાણી ભરીને લાવવાના વાસણો આજે અદૃશ્ય બની ગયા છે.
નર્મદાથી સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પીવાના પાણીની પાઇપલાઇન અને લોક ભાગીદારીથી ચેકડેમ યોજના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલે અમલમાં મૂકી અને તેના સારા પરિણામો આવ્યા. વર્ષોથી પાણી માટે પીડાતી પ્રજાને નર્મદાના નીર ખેતી અને પાણી પીવા માટે નહેરો કેનાલો અને સૌની યોજના મારફતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આભાર – નિહારીકા રવિયા મોદીની દીર્ઘદ્રષ્ટિથી સાકાર થયું.
વેપાર ઉદ્યોગ, ખેડૂતો કે જનતા પોતપોતાના ધંધા માટે અને પીવાનું પાણી સતત જમીનમાંથી ઉપાડતા રહ્યા છે જેના હિસાબે પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા છે. આજે ઘણા વિસ્તારોમાં હજારથી પંદરસો ફૂટે જમીનમાં પીવા કે ખેતીલાયક પાણી રહ્યા નથી. કુદરતના અમૃતનો બેફામ ઉપયોગ કરતા રહ્યા પરંતુ વરસાદ રૂપી પાણી ફરી જમીનમાં રિચાર્જ કરવાનું આપણે ચૂકી ગયા. પાણી વગર માનવ જિંદગી, ઉદ્યોગ કે ખેતી શક્ય નથી. પાણી કોઈ ફેક્ટરીમાં બનવાનું નથી, કોઈ ગ્રાન્ટથી ખરીદીને જમીનમાં ઉતારી શકાતું નથી, વરસાદી પાણી આજે પણ દરિયામાં વહી જાય છે. ત્યારે ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં એ સૂત્રને જન ભાગીદારી સાથે સૌ લોકોએ સરકાર સાથે મળીને વાસ્તવિક સાકાર કરવું પડશે. આ કામ કરી રહી છે બનાસકાંઠા જિલ્લાના ટાંકરવાળા ગામ અને તાલુકો પાલનપુરની એક ગૌરવવંતી દીકરી હિરલબેન ચેલાભાઈ ભટોર ગ્રેજ્યુએશન પૂરું કરી તલાટી કમ મંત્રી તરીકે જોડાયેલા હિરલબેન શેમદ્રી ગામે નોકરી કરતા હતા ત્યારે ગામમાં પીવાના પાણીની તંગી ઊભી થઈ. ખેતીવાડીમાંથી પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવા પડ્‌યા ત્યારે વિચાર આવ્યો કે જા ખેતીવાડીમાં પણ પાણી ન હોય તો શું સ્થિતિ થાય? માટે આના કાયમી ઉકેલ માટે શું થઈ શકે ત્યારે કૂવા અને બોર એ જ વિકલ્પ છે એ વિચાર સાથે ગામલોકોને ભેગા કરી સમજણ આપી અને બોર, કૂવા રિચાર્જ અભિયાનની શરૂઆત થઈ. આજે ગામે ગામ પીવાના પાણીના આવી ગયા છે. હિરલબેન ભટોર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ, થરાદ, લાખણી ભાંજાર, દાંતા જેવા તાલુકાના ગામડાઓમાં જઈને પાણીની કિંમત સમજાવી. આ પાણીને રિચાર્જ કરવા માટે ગામડાઓ ખૂંદીને
લોકજાગૃતિ લાવવાનું કામ કરે છે. કોઈ ગામમાં એક બે વ્યક્તિઓ તૈયાર થાય અને બીજા વર્ષે આજુબાજુના ખેડૂતોને પાણીનો ફાયદો થાય એટલે બધાને તેની કિંમત સમજાય છે. વારંવાર બોર અને કૂવાઓ ઊંડા ઉતારવા કે બનાવવા કરતાં કુદરતી સંપત્તિ પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો સૌ કોઈનું ભલું થાય છે. આજે એક કૂવા બોર રિચાર્જ માટે બે ચેમ્બર બનાવી તેમાં પથ્થરો મૂકીને પાઇપલાઇન મારફતે કૂવા બોર સુધી પાણી લઈ જવા માટે ૨૦ થી ૨૨ હજાર જેટલો ખર્ચ આવે છે. નાના ખેડૂતોને મનરેગા યોજના અંતર્ગત વેતન મળે છે પણ આ યોજના લોકઉપયોગી બની શકી નથી. હિરલબેન અને તેની ટીમ દ્વારા લોક જાગૃતિ અભિયાનના માધ્યમથી ૭૦૦૦ જેટલા કૂવા અને બોર રિચાર્જ કરવામાં આવ્યા છે. સ્વખર્ચે અને આત્મબળે કામ કરતી ગુજરાતની આવી દીકરીઓ એ ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય છે. પાણી રિચાર્જ કરવું એ માત્ર સરકારની જ ફરજ નથી જન સામાન્ય તમામ વ્યક્તિઓની ફરજ બની જાય છે કે ધરતીના પેટાળમાંથી આપણે જે પાણીનો બેફામ ઉપયોગ કરીએ છીએ એટલું વરસાદરૂપી પાણી ફરી ધરતીના પેટાળમાં ઉતારીએ. હિરલબેન ભટોરનો સંપર્ક નંબર ૮૮ ૪૯ ૬૦ ૮૩ ૨૭ છે.