ખેડા જિલ્લાના માતરમાં નવરાત્રિને રોજ ગરબા રમાડવાને લઈને બોર્ડ લાગતા નવો વિવાદ જન્મ્યો છે. ગરબા ગાવાની મનાઈ ફરમાવાતા પોલીસે બોર્ડ હટાવવાનો આદેશ આપ્યો છે. ગામની નાની ભાગોળ વિસ્તારમાં વિવાદિત બોર્ડથી વિવાદ સર્જાયો હતો. માતર ગામમાં નાની ભાગોળ વિસ્તારમાં આવેલ હુસેની ચોકમાં વિવાદિત બોર્ડ મારવામાં આવ્યું છે. બોર્ડ પર લખવામાં આવ્યું કે, ‘જાહેર સુચના નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મદરેસા, તથા મસ્જીદની આસપાસ ગરબા ગાવા કે વગાડવાની સખ્ત મનાઈ છે.’ લિ.સું.પંચ નાની ભાગોળ” લખવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર બાબતે માતર પોલીસને જાણ થતા બોર્ડ હટાવવા આદેશ કરવામાં આવ્યો હતો. માતર પોલીસ દ્વારા આદેશ કરતા બોર્ડ પર કલર મારી હટાવવામાં આવ્યું છે. આ અંગે બજરંગ દળ દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. આ બોર્ડ લગાવનારા વિરુધ ફરિયાદ દાખલ કરવા માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. સમગ્ર બાબતે ફરિયાદ નોંધવા માતર પોલીસે તજવીજ હાથ ધરી છે. સમગ્ર વિવાદ મામલે મુસ્લિમ આગેવાનનું નિવેદન સામે આવ્યું છે. મુસ્લિમ આગેવાન બિસમલ્લાહ ખાન પઠાણે જણાવ્યું કે, બોર્ડ ૬ વર્ષ પહેલા મારવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના લોકોના લગ્ન પ્રસંગો વખતે અહીંયા મુસ્લિમ લોકો દ્વારા ગરબા રમવામાં આવતા હતા. જેથી કબ્રસ્તાન અને દરગાહ જેવા સ્થળો હોવાથી મુસ્લિમ સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાતી હતી. જેથી આ બોર્ડ મારવામાં આવ્યું હતું.